ગુજરાત સહિત દેશભરમાં સર્જાયેલી રાંધણ ગેસની અછત વચ્ચે હવે રાહતના સમાચાર સામે આવ્યા છે. આશરે 46,000 મેટ્રિક ટન LPG નો વિશાળ જથ્થો લઈને ‘નંદા દેવી’ નામનું ટેન્કર જામનગરના વાડીનાર પોર્ટ નજીક સુરક્ષિત રીતે પહોંચી ગયું છે, જેને કારણે સપ્લાય સ્થિતિમાં સુધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
વાડીનાર પોર્ટ પર લંગરેલું આ ટેન્કર ખાસ મહત્વ ધરાવે છે, કારણ કે તેમાં રહેલો 46,000 મેટ્રિક ટન LPGનો જથ્થો અંદાજે 32.4 લાખ ઘરેલુ ગેસ સિલિન્ડર (Cooking Gas Cylinder) ભરવા માટે પૂરતો છે. અહીંથી આ ગેસ મથુરા પાઈપલાઈન દ્વારા દેશના વિવિધ રાજ્યોમાં પહોંચાડવામાં આવશે.
આ જથ્થાથી માત્ર ગુજરાતને જ નહીં, પરંતુ દક્ષિણ ભારતના રાજ્યોને પણ મોટી રાહત મળશે. મુખ્ય જહાજમાંથી LPGનો કેટલાક ભાગ નાના જહાજો—MTBW બ્રિઝ અને MD જગ પ્રતાપમાં ટ્રાન્સફર કરવામાં આવશે, જે મારફતે ગેસ તામિલનાડુ સહિતના વિસ્તારોમાં પહોંચાડાશે.
વિશેષજ્ઞોના મતે, આટલો મોટો જથ્થો દેશની ગેસ સપ્લાય ચેઈન (Supply Chain)ને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. આથી ઘરેલુ ગ્રાહકો ઉપરાંત ઉદ્યોગોને પણ રાહત મળશે અને બજારમાં ઉભી થયેલી અછતની સ્થિતિ ધીમે ધીમે સામાન્ય બની શકે છે.
આ સમગ્ર ઓપરેશન દરમિયાન સુરક્ષા (Security Operation)ને પણ વિશેષ પ્રાથમિકતા આપવામાં આવી હતી. ટેન્કર જ્યારે હોર્મુઝની ખાડીમાંથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે સંવેદનશીલ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતીય નૌસેનાએ સતત નજર રાખી હતી. આ માર્ગ અત્યંત મહત્વનો અને જોખમસભર ગણાતો હોવાથી કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે સંપૂર્ણ સાવચેતી રાખવામાં આવી હતી.