ગુજરાતના દક્ષિણ છેડે આવેલા કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા-નગર હવેલીને અડીને આવેલા ગુજરાતના ચાર ગામો અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે દીવના કેન્દ્રશાસિત પ્રદેશની નજીકના એક ગામડાનો કેટલોક વિસ્તાર કેન્દ્ર શાસિત પ્રદેશમાં સમાવવામાં આવશે.
દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ચાર ગામ,જે ટૂંક સમયમાં પાડોશી કેન્દ્ર શાસિત પ્રદેશનો ભાગ બનવાની શક્યતા છે તેમાં મેઘવાલ,નગર,રાયમલ અને મધુબન જેવા ગામડાઓનો સમાવેશ કરવામાં આવશે.આ નિર્ણયની અસર એ થશે કે,અત્યાર સુધી દારુબંધી ધરાવતા ગુજરાતનો ભાગ રહેલા આ વિસ્તારોમાં દારૂ મુક્તપણે મળી રહેશે.
સૂત્રો અનુસાર,ગોવામાં ૨૮ જાન્યુઆરીએ યોજાનારી પશ્ચિમી પરિષદની સ્થાયી સમિતિની બેઠકમાં આ નિર્ણયને ઔપચારિક બહાલી આપવામાં આવે તેવી શક્યતા છે.મીડિયા સાથે વાત કરતા ટોચના અધિકારીઓએ જણાવ્યું હતું કે, મેઘવાલ ગામ સંપૂર્ણપણે કેન્દ્રશાસિત પ્રદેશથી ઘેરાયેલું છે જ્યારે અન્ય ત્રણ ગામો મધુબન ડેમ જળાશય અને દાદરા અને નગર હવેલી વિસ્તારની વચ્ચે આવે છે.
ચોમાસામાં આ ગામોનો મોટાભાગનો વિસ્તારો પાણીમાં ડૂબી જાય છે અને તેમનો એકમાત્ર પ્રવેશ કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી જ રહે છે.ગુજરાતના આ ચાર ગામોને કેન્દ્રશાસિત પ્રદેશમાં ભેળવી દેવાની માંગણી અને સૂચન લાંબા સમયથી ચાલતા હતા.ગુજરાતના આ ચાર ગામડાઓમાં પ્રવાસન પ્રવૃત્તિઓ અને રોજગારને વેગ આપશે.