GujaratHardik Patel

કોરોનાની મહામારી વચ્ચે હાર્દિક પટેલે CM રૂપાણીને લખ્યો ખુલ્લો પત્ર, લોકો માટે કરી આ મોટી માંગણી…

પાટીદાર અનામત આંદોલન જેમનો ભૂતકાળ છે એવા પાટીદાર સમાજમાંથી આવતા અને હાલમાં કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ અવનવાર પોતાના નિવેદનોથી સરકારને ઘેરવાના પ્રયત્નો કરતા હોય છે.ખેડૂતો અને પીડીતો મુદ્દે વારંવાર  અવાજ ઉઠાવનાર હાર્દિક પટેલે રાજ્યના મુખ્યમંત્રીને એક પત્ર લખ્યો છે જેમાં તેમણે પશુપાલકોની વાત કરી છે.હાર્દિક પટેલે CM રૂપાણીને લખેલો પત્ર અહી શબ્દશ: દર્શાવ્યો છે.

પ્રતિ,
મુખ્યમંત્રીશ્રી,
ગુજરાત રાજ્ય, ગાંધીનગર.

વિષય : દૂધ ઉત્પાદકોને મળવાપાત્ર વાર્ષિક નફો મળી રહે તે સારૂ તાત્કાલિક ઓડિટ કરવા બાબત.

જય ભારત સાથે જણાવવાનું કે, કોરોના મહામારીને કારણે દેશવ્યાપી લોકડાઉન ચાલી રહેલ છે. આવા સમયમાં પણ દૂધ ઉત્પાદકો નિયમિત રીતે દુધનો પુરવઠો પૂરો પાડી રહેલ છે તે બદલ તેઓ અભિનંદનને પાત્ર છે.ગુજરાતમાં સાબર, બનાસ અને દૂધ સાગર એમ ત્રણ મોટા દૂધ ઉત્પાદક સંઘો અને આ સંઘ સાથે સંકલિત ૩૦૦૦ કરતા વધારે દૂધ મંડળીઓ તેમજ ૭ લાખ જેટલા દૂધ ઉત્પાદકો પ્રત્યક્ષ રીતે જોડાયેલ છે.

સરકાર દ્વારા આ ત્રણેય સંઘ સંકલિત દૂધ મંડળીઓના વર્ષ ૨૦૧૯-૨૦ નાં વાર્ષિક હિસાબોનું ઓડીટ કામ ચાલુ કરેલ નથી. આથી આશરે ૩૦૦૦ કરતા વધારે દૂધ મંડળીનું ઓડિટ નહિ થવાના કારણે ૭ લાખ કરતા વધારે દૂધ ઉત્પાદકોને ૩૧મી માર્ચે મળવાપાત્ર ૱૧૫૦૦/- કરોડ જેટલા નફાની રકમથી દૂધ ઉત્પાદકો વંચિત રહ્યા છે. દૂધ મંડળીનો વાર્ષિક નફો એ દૂધ ઉત્પાદકોનો હક્ક અને અધિકાર છે ત્યારે સોશિયલ ડીસ્ટંટ અને માસ્ક તેમજ સેનેટાઈઝર સાથે ઓડીટની પ્રક્રિયા ચાલુ કરાવી જોઈએ.

હાલમાં દેશવ્યાપી ધંધા રોજગાર બંધ હોય અને દૂધ એક આવશ્યક ચીજવસ્તુ ગણાતી હોય ત્યારે પશુપાલકોને પોતાના વ્યવસાયમાં આર્થિક ખેંચ પણ પડી રહેલ છે, માટે તાત્કાલિક રાહે દૂધ મંડળીઓનું ઓડીટ કરીને દૂધ ઉત્પાદકોને તેમના હક્કનો નફો મળી જાય તે સારૂ પગલાં લેવા વિનંતી છે.