Gujarat

હવે વ્યાજખોરોની ખેર નહિ, રાજકોટમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કડક પગલાં લેવા માટે કરી હુંકાર

ગુજરાતમાં છેલ્લા કેટલાંક સમયથી ચોરી, લુંટફાટ અને વ્યાજખોરો ના ત્રાસમાં વધારો થઇ રહ્યો છે. જે ક્રાઈમની ઘટનામાં ઊછાળો જોવા મળી રહ્યો છે. લુખ્ખા તત્વોની દાદાગીરી સામે આવી રહી છે. જાણે તમને પોલીસનો ડર ન રહ્યો હોય તેમ આવા તત્વો બેફામ બની રહ્યા છે. જેના કારણે સામાન્ય માણસની ચિંતામાં વધારો થઇ રહ્યો છે. વ્યાજખોરો સામાન્ય લોકોની મજબૂરીનો લાભ લઈને તેમને ઉંચા વ્યાજે પૈસાનું ધિરાણ કરે છે.

ત્યારબાદ આ લોકો પૈસા ન ભરી શકે તો તેમની પાસેથી તેમની મિલકત અને અન્ય કિમતી ચીજવસ્તુઓ પોતાના નામે લખાવી લેતા હોય છે. ત્યારે આવા વ્યાજખોરોના ત્રાસના કારણે અનેક લોકોએ પોતાનું જીવન ટૂંકાવી લેતા અનેક ઘટનાઓ અવારનવાર સામે આવતી રહે છે. ત્યારે હવે આવા લોકો સામે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કડક પગલાં લેવા માટે હુંકાર ભરી છે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હાલમાં જ રાજકોટની મુલાકાત માટે આવ્યા હતા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આ દરમિયાન સ્વામિનારાયણ ગુરુકુળ અમૃત મહોત્સવમાં હાજરી આપી હતી. બાદમાં તેઓ રાજકોટના ઢેબર રોડ પર આવેલ એસટી બસપોર્ટ ખાતે પહોંચ્યા હતા. અહીં તેમને ત્યાં હાજર યુવાનો અને વૃદ્ધોને તેમની સ્થાનિક સમસ્યા વિશે માહિતી લીધી હતી.

આ લોકોએ તેમને વ્યાજખોરીના દૂષણ અંગે જણાવતા હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, મારા રાજ્યમાં વ્યાજખોરના દૂષણથી એક પણ નાગરિક હેરાન થાય તે નહી ચલાવવામાં આવે. વ્યાજખોરના દૂષણને નાથવા વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વ્યાજખોરોના ત્રાસ અંગે જણાવ્યું હતું કે, આ પ્રકારની કોઈ પણ માહિતી કે અરજીઓ મળે છે તો તેના પર ગુજરાત પોલીસ ખૂબ જ સખ્તાઈ થી કામ કરી રહી છે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વધુમાં જણાવતા કહ્યું હતું કે, વ્યાજખોરોના દૂષણથી મારા રાજ્યનો એક પણ નાગરિક હેરાન ન થયા તેવી ખાસ વ્યવસ્થા પણ ગોઠવવામાં આવશે. આગામી દિવસોમાં માત્ર સૌરાષ્ટ્ર માં જ નહીં પરંતુ ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ આવા વ્યાજખોરીનું દૂષણ કરવામાં આવશે તેમની સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. એક પણ વ્યક્તિ વ્યાજખોરોનાં ત્રાસથી ગુમાવવાની વાત તો દૂર, તેઓ જરાય પણ હેરાન ન થાય તે માટે હજુ વધુ કડક પગલાં લેવામાં આવશે. વ્યાજખોરીના વધતા જતા દૂષણને ડામવા કડક કાર્યવાહી કરવા સૂચના પોલીસ વિભાગને આપવામાં આવી છે.