AhmedabadGujarat

અમદાવાદમાં વરસાદની ધમાકેદાર બેટિંગ, અનેક વિસ્તારો થયા પાણી-પાણી

બંગાળની ખાડીમાં લો-પ્રેશર ની સિસ્ટમ સક્રિય બનતા ગુજરાતમાં ફરીથી વરસાદી માહોલ બન્યો છે. તેમાં પણ અમદાવાદ સહિત રાજ્યભરમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તેની સાથે હવામાન વિભાગ આગાહી મુજબ, અમદાવાદ શહેરમાં સવારથી જ દિલ ખોલીને વરસાદ વરસ્યો હતો. તેના લીધે અમદાવાદના અનેક વિસ્તારમાં પાણી ભરાયા હતા.

અમદાવાદમાં વરસાદની વાત કરીએ તો આજ સવારના સેટેલાઈટ, બોડકદેવ, પાલડી, શિવરંજની, શ્યામલ, રામદેવનગર, પ્રહલાદનગર, વસ્ત્રાપુર, રખિયાલ, બોપલ, એસ.જી હાઈવે, આંબાવાડી, મેમનગર, ઈસનપુર,  જસોદાનગર, એલિસબ્રિજ, નહેરુ બ્રિજ, ચાંદલોડિયા, ગોતા અને ચાંદખેડા વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. તેના લીધે અમદાવાદના અનેક રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યું હતું. આ સિવાય વરસાદના લીધે ટ્રાફિક જામ પણ જોવા મળ્યો હતો.

અમદાવાદમાં વરસાદ ના લીધે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તેના લીધે અમદાવાદવાસીઓ ગરમીથી રાહત મળી છે. તેની સાથે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન નિષ્ણાંત દ્વારા જણાવવામાં આવ્યું છે કે, હાલમાં બંગાળની ખાડીમાં લો-પ્રેશર સિસ્ટમ સક્રિય બની છે. તેની સાથે આગામી પાંચ દિવસ દરમિયાન એક પછી એક બીજી બે લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થવાની છે. તેના લીધે સાયક્લોનિક સર્ક્યુલેશન જેવી પાંચ સિસ્ટમ સક્રિય બનતા અમદાવાદ સહિત ગુજરાત ભરમાં ભારે વરસાદ જોવા પડશે. અમદાવાદમાં પણ પાંચ દિવસ દરમિયાન ભારે વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.