વલસાડમાં હાઈપ્રોફાઈલ દારૂની મહેફિલનો પર્દાફાશ, ભાજપના કાર્યકર્તાઓ સાથે 15 નબીરા ઝડપાયા
ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં અનેક લોકો દારૂની મોજ માણતા જોવા મળી જાય છે. જ્યારે આજે આવવા જ એક સમાચાર સામે આવ્યા છે. વલસાડથી શહેરમાં હાઈપ્રોફાઈલ દારૂની મહેફિલ માણવામાં આવી રહી હતી. એવામાં આ દરમિયાન પોલીસની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી.
પોલીસ દ્વારા વલસાડની આદર્શ સોસાયટીમાં ચાલી રહેલી દારૂની મહેફિલ પર દરોડા પાડવામાં આવ્યા હતા. પીઆઇ સહિત પોલીસની ટીમ દ્વારા આ રેઇડ પાડવામાં આવી હતી. આ સોસાયટી ના મકાન નંબર 8 ના ધાબા પર દારૂની મહેફિલ માણવામાં આવી રહી હતી. પોલીસ દ્વારા આ દરોડામાં દારૂની મહેફિલ માણી રહેલા 15 લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ, વલસાડ નગર પાલિકાના માજી પાલિકા સભ્યના પતિ તેમજ ભાજપના હોદ્દેદારો અને નબીરાઓ દ્વારા જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી હતી. પરંતુ આ તેમને ભારે પડ્યું છે. વલસાડ નગર પાલિકાના માજી પાલિકા સભ્યના પતિ અને ભાજપના હોદ્દેદાર સિવાય ભાજપ શહેર યુવા મોરચા પ્રમુખ સહિત મોટા ઘરના નબીરાઓ પણ દારૂની મહેફિલ માણી રહ્યા હતા.
વલસાડ પોલીસ દ્વારા કરવામાં આવેલ કાર્યવાહી મુજબ, રોકડ રકમ, દારૂની બોટલ, 20 થી વધુ મોબાઈલ ફોન સહિત 7 વાહનો મળી કુલ 25 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. મોંઘીદાટ કાર, મોંઘા મોબાઈલ અને હાઇફાઈ દારૂની બોટલો પણ આ દરમિયાન પોલીસને મળી આવી છે. ઝડપાયેલા આરોપીઓ રાજકીય વગ ધરાવતા હોવાના કારણે અડધી રાત્રી પોલીસ સ્ટેશન પર મોટી સંખ્યામાં અનેક જાણીતા ચહેરાઓ પણ આવી પહોંચ્યા હતા.
તેમ છતાં પોલીસે કોઈ પણ જાતની શરમ ભર્યા વગર કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવી હતી. એવામાં હવે વલસાડ શહેરના મધ્યમાં જન્મદિવસની ઉજવણી નિમિત્તે રાજકીય પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા મહેફિલનું આયોજન કરવામાં આવતા રાજકારણમાં હાહાકાર મચી ગયો છે.