સમયસર બિલ પાસ ના થતા દેવામાં ડૂબેલા શખ્સે રેલવે અધિકારીઓને જવાબદાર ગણાવીને શખ્સે રેલવે વર્કશોપની બિલ્ડીંગમાંથી પડતું મૂકીને કર્યો આપઘાત
રાજ્યમાં આપઘાતના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે ભાવનગરમાં દેવામાં ડૂબેલા એક શખ્સે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. રેલવે વર્કશોપના એડમિસ્ટ્રેશન બિલ્ડીંગની અગાસીમાંથી નીચે પડતું મૂકીને આપઘાત કરનાર આ શખ્સે રેલવેના અધિકારીઓ તેમજ તેની પત્નીને પોતાની સુસાઈડ નોટમાં જવાબદાર ગણાવ્યા હતા. તો આ ઘટનાને પગલે મૃતકના પરિવારજનોએ જ્યાં સુધી પોલીસ ફરિયાદ ના થાય ત્યાં સુધી મૃતકનો મૃતદેહ સ્વીકારવાની ના પાડી દીધી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, 45 વર્ષની ઉંમરના તુલસીભાઈ શામજીભાઈ ડાંગિયા ભાવનગર શહેરના ચિત્રા ફિલ્ટરની ટાંકી નજીક આવેલ મીરાનગર માં વસવાટ કરે છે. મંગળવારના રોજ બપોર ના 12 વાગ્યાની આસપાસ તુલસીભાઈ ભાવનગર રેલવે વર્કશોપમાં પહોંચ્યા અને ત્યાં એડમિસ્ટ્રેશન બિલ્ડીંગની અગાસીમાંથી નીચે પડતું મૂકીને આપઘાત કર્યો હતો. તુલસીભાઇ અગાસીમાંથી નીચે પડ્યા ત્યારે પહેલા તેમને તાત્કાલિક અસરથી રેલવે હોસ્પિટલ અને ત્યારપછી સર ટી.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બપોરે 3 વાગ્યે કલાકે ફરજ પર હાજર ડોક્ટરે તુલસીભાઈ ને મૃત જાહેર કર્યા હતા.
નોંધનીય છે કે, આપઘાત કરતા પહેલા તુલસીભાઈએ દોઢ પાનાની એક સુસાઇડ નોટ લખી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા 6 મહિનાથી રેલવે વર્કશોપના અધિકારીઓ તેમના બિલ પાસ કરતા ન હોવાથી તે દેવામાં ડૂબી ગયા છે. તેમજ તેમની પત્ની ભગવતીબેને પણ તેમની સાથે દગો કર્યો હોવાથી તેઓ સમાજમાં મોઢું દેખાડવા લાયક રહ્યા નથી. જેથી તેમણે આખરે આ અંતિમ પગલું ભરવું પડ્યું છે. તેમણે સ્યુસાઇડ નોટમાં તેમના પિતા અને પુત્રની માફી પણ માંગી હતી. તમને જણાવી દઈએ કે, તુલસીભાઈએ પરિવારજનોએ આ મામલે રેલવે પ્રશાસન ના અધિકારીઓ ઉપર આક્ષેપો મૂકીને જ્યાં સુધી તુલસીભાઈ નો ન્યાય ના મળે ત્યાં સુધી તેમના મૃતદેહને સ્વીકારવાની ના પાડી હતી. જેથી હાલ કોલ્ડ સ્ટોરેજ રૂમમાં તુલસીભાઈને મૃતદેહને રાખવામાં આવ્યો છે.