InternationalUSA

અમેરિકામાં ભયાનક માર્ગ અકસ્માત, કારની ટક્કરથી પિયુષ પટેલનું મોત

અમેરિકામાં એક ભયાનક માર્ગ અકસ્માત ઓહાયોમાં થયો હતો. આ અકસ્માતમાં ભારતીય મૂળના એક વ્યક્તિનું મોત થયું હતું. કારની ટક્કરથી 52 વર્ષીય ભારતીય મૂળના વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.બ્રુન્સવિક સિટીના પિયુષ પટેલ શનિવારે સાંજે સબસ્ટેશન રોડ પર મુસાફરી કરી રહ્યા હતા ત્યારે તેમને એક કારે ટક્કર મારી હતી, એમ ઓહિયો સ્ટેટ હાઇવે પેટ્રોલે એક પ્રકાશનમાં જણાવ્યું હતું.

પેટ્રોલિંગ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ અકસ્માતમાં પટેલને ગંભીર ઈજાઓ થઈ હતી જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. પટેલને ટક્કર મારનારી કારમાં એક 25 વર્ષનો યુવક ડ્રાઇવિંગ કરી રહ્યો હતો. અકસ્માતની તપાસ કરવામાં આવી રહી છે.પોલીસે હજુ સુધી કોઈની ધરપકડ કરી નથી.

અગાઉ સપ્ટેમ્બર મહિનામાં પણ એક બસને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં 2 લોકોના કરૂણ મોત થયા હતા અને 5 લોકો ઘાયલ થયા હતા. અકસ્માતનો ભોગ બનેલી બસ વિદ્યાર્થીઓને પેન્સિલવેનિયાના ગ્રીલી શહેરમાં લઈ જઈ રહી હતી. ન્યુયોર્ક સિટીથી લગભગ 72 કિલોમીટર દૂર વેવાયંડામાં બપોરે હાઇવે નંબર 84 પર બસ ઝડપભેર આવી રહી હતી.

આ દરમિયાન ડ્રાઈવરે અચાનક કાબૂ ગુમાવ્યો હતો. જેના કારણે બસમાં બેઠેલા તમામ મુસાફરોમાં ચીસો અને ગભરાટ ફેલાઈ ગયો હતો. કાબૂ ગુમાવ્યા બાદ ડ્રાઈવર ફરીથી તેના પર કાબૂ ન રાખી શક્યો અને તે ક્રેશ થઈ ગઈ. ત્યારે પેન્સિલવેનિયાના ગવર્નર કેથી હોચુલે જણાવ્યું હતું કે બસનું ટાયર બગડી ગયું હતું. એવી આશંકા છે કે અચાનક ટાયર ફાટવાથી કે ડિફ્લેશન થવાને કારણે ડ્રાઈવરે બસ પરથી કાબૂ ગુમાવ્યો હતો. ટાયરમાં ખામી સર્જાતા બસને અકસ્માત નડ્યો હતો.