ગુજરાતી ફિલ્મ ‘’તખુભાની તલવાર’ ને લઈને થયો જોરદાર વિરોધ, ક્ષત્રિય રાજપુત કરણી સેનાએ આપી ચિમકી
![](/wp-content/uploads/2022/12/e23e32.jpg)
ગુજરાતી ફિલ્મ તખુભા ની તલવારને વિવાદ સામે આવ્યો છે. આ ફિલ્મ 30 ડિસેમ્બરના રોજ એટલે આજે રિલીઝ થઈ છે. ત્યારે ફિલ્મને લઈ કરણી સેના દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. ફિલ્મને લઈને ગુજરાત પ્રદેશ કરણી સેનાના અધ્યક્ષ જે. પી. જાડેજા દ્વારા વિરોધ કરતા જણાવ્યું છે કે, ક્ષત્રિય સમાજની લાગણી દુભાવે તે પ્રકારની આ ફિલ્મ રહેલી છે તેના લીધે આ ફિલ્મને સરકાર દ્વારા રોકવામાં આવે.
30 ડિસેમ્બર શુક્રવારના રોજ ગુજરાતી ફિલ્મ તખૂભાની તલવાર રિલીઝ થઈ છે. આ ફિલ્મ હરેશભાઈ પટેલ નામના નિર્માતા દ્વારા બનાવવામાં આવેલ છે. ત્યારે આ ફિલ્મને લઈ કરણી સેનાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જે. પી. જાડેજા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ ફિલ્મમાં ક્ષત્રિય સમાજની લાગણી દુભાય તે પ્રકારના દ્રશ્યો ફિલ્માવવામાં આવેલ છે. ત્યારે સરકારને વિનંતી છે કે, તખૂભાની તલવાર નામની ફિલ્મ રીલીઝ થતા અટકાવવામાં આવે.
તેમણે જણાવ્યું હતું કે, આ ફિલ્મમાં ક્ષત્રિય સમાજને નીચો દેખાડવામાં આવેલ છે. આ દેશના પ્રથમ ગૃહ મંત્રી દ્વારા જ્યારે અખંડ ભારતના નિર્માણનું સ્વપ્ન સાકાર કરવાનું નક્કી કરવામાં આવ્યું ત્યારે 562 રજવાડાઓ દ્વારા પોતાનું યોગદાન આપવામાં આવ્યું હતું. ક્ષત્રિય સમાજનો ઇતિહાસ શોર્ય અને બલિદાન નો રહેલો છે. ત્યારે આ પ્રકારની ફિલ્મ રિલીઝ થતા અટકાવવા માટે હવે સરકારને વિનંતી કરીએ છીએ. જો આ પ્રકારની ફિલ્મ રિલીઝ થશે તો રાજપુત કરણી સેના રોડ પર આવી ધરણા અને પ્રદર્શન પણ કરવામાં આવશે.