ભરૂચના સેગવા ગામમાં પતિએ કરી પત્નીની હત્યા, પોલીસે રાજકોટના તરઘડિયા ગામથી ઝડપ્યો
ભરૂચના સેગવા ગામની સીમમાં મહિલા ની થોડા દિવસો પહેલા હત્યા કરવામાં આવી હતી. હવે આ મામલામાં હકીકત સામે આવી ગઈ છે. ચારિત્ર્યની શંકા માં પતિ દ્વારા જ પત્નીની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. હત્યારા પતિને રાજકોટના કુવાડવા નજીક ખેતરમાંથી પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. જેમાં મહિલા ના અન્ય વ્યક્તિ સાથે આડા સંબંધના વહેમમાં પતિ દ્વારા હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
જાણકારી મુજબ, ભરૂચ તાલુકાના સેગવા ગામ ના ચોથી ઓગસ્ટના રોજ ઘાસચારો લેવા માટે સીમમાં આવેલ તાડીયા વગામાં ખેતરમાં ઓરડી નજીક એક મહીલા નો હત્યા કરવામાં આવેલ મૃતદેહ મળી આવ્યો હતો. આ મામલામાં પાલેજ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. આ મૃતકનું નામ કાળીબહેન હોવાનું સામે આવ્યું હતું. તેની સાથે કાળીબહેનનો પતિ રામસિંગ ભીલ નાસી ગયો હોવાનું પોલીસ ના ધ્યાનમાં આવ્યું હતું.
ત્યાર બાદ આ ગુનાની તપાસમાં ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ પણ જોડાય ગઈ હતી અને રામસિંગ ભીલ ની તપાસ માટે એક ટીમ સૌરાષ્ટ્ર રવાના કરાઈ હતી. તે દરમિયાન રાજકોટના કુવાડવા પાસે તરઘડીયા ગામની સીમમાંથી આરોપીની ધરપકડ કરાઈ હતી. આરોપીની પૂછપરછ માં હત્યા અંગે આશ્ચર્યજનક બાબત સામે આવી હતી. આરોપી રામસિંગ ભીલ અને કાળીબહેન મૂળ મધ્યપ્રદેશના રહેવાસી છે અને સેગવા ગામમાં ખેતરમાં મજૂરી કામ કરી ગુજરાન ચલાવી રહ્યા હતા. તેમ છતાં કાળીબહેનના અન્ય વ્યક્તિ જોડે આડા સંબંધના વહેમમાં થયેલ ઝઘડા બાદ રામસિંગ ભીલે દાતરડા ના ઘા મારી હત્યા કરી નાસી ગયો હતો. પોલીસની આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.