રાજીનામા પર ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે, રાજુભાઈ મર્દ હતા, પણ હવે…
ગુજરાતની રાજનીતિમાં ફરી એકવાર આંતરિક ઘમાસાણ સામે આવ્યું છે. આમ આદમી પાર્ટીમાં ચાલતા જૂથવાદ વચ્ચે ખેડૂત નેતા **રાજુ કરપડા**એ પક્ષના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપી દીધું છે. રાજુ કરપડાના આ નિર્ણય બાદ પક્ષની અંદરની ખેંચતાણ ખુલ્લેઆમ સામે આવી ગઈ છે અને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા શરૂ થઈ છે.
બોટાદના કડદા પ્રકરણમાં જેલવાસ ભોગવી બહાર આવેલા રાજુ કરપડાએ ખુલ્લેઆમ નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે વિસાવદર વિધાનસભા બેઠક જીતાડવા માટે તેમણે દિવસ-રાત એક કરીને મહેનત કરી હતી, પરંતુ પોતે મુશ્કેલીમાં હતા ત્યારે પક્ષે તેમને એકલા છોડી દીધા હતા.
જેલમાંથી બહાર આવ્યા બાદ રાજુ કરપડાએ મીડિયા સમક્ષ આક્ષેપ કર્યો હતો કે, જ્યારે તેઓ અને તેમના સાથી ખેડૂત નેતાઓ જેલમાં હતા ત્યારે પક્ષ તરફથી કોઈ કાનૂની સહાય કે સારા વકીલની વ્યવસ્થા કરવામાં આવી નહોતી. તેમણે એવો પણ ગંભીર આરોપ લગાવ્યો હતો કે પક્ષના જ કેટલાક નેતાઓ ઈચ્છતા હતા કે તેઓ જેલમાંથી બહાર ન આવે અને પક્ષની અંદરના જ કેટલાક જૂથોએ તેમને ફસાવવાના પ્રયાસ કર્યા હતા. રાજુ કરપડાનું કહેવું છે કે જે પક્ષ પોતાના લડાયક કાર્યકરોની સાથે ઊભો ન રહે, ત્યાં રહેવાનો કોઈ અર્થ નથી.
રાજુ કરપડાએ વધુમાં કહ્યું હતું કે ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠીયા ગુજરાતમાં આમ આદમી પાર્ટીને નુકસાન પહોંચાડી રહ્યા છે અને આવી કામગીરીથી પક્ષ ધીમે ધીમે ખતમ થઈ જશે.
આ નિવેદનો બાદ વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પણ પ્રતિક્રિયા આપી છે. તેમણે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે પક્ષ હંમેશા પોતાના કાર્યકરોની સાથે જ હોય છે, પરંતુ કાયદાકીય પ્રક્રિયામાં પક્ષની પોતાની મર્યાદાઓ રહેતી હોય છે.રાજુ કરપડાના આક્ષેપોને લઈને પ્રેસ કોન્ફરન્સમાં જવાબ આપતા ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું કે રાજુભાઈએ પક્ષ માટે જે મહેનત કરી છે તે બદલ તેઓ અને તેમનો પરિવાર આદરને પાત્ર છે. જોકે તેમણે ઉમેર્યું કે રાજુ કરપડાના આક્ષેપો સંપૂર્ણપણે પાયાવિહોણા છે. ઇટાલિયાએ કડક શબ્દોમાં કહ્યું હતું કે, “શબ્દો રાજુભાઈના છે, પરંતુ ભાષા ભાજપની છે.”
ગોપાલ ઇટાલિયાએ વધુમાં આરોપ લગાવ્યો હતો કે રાજુ કરપડાના ચહેરા પર ડર દેખાઈ રહ્યો છે અને તેમના સામે સુરેન્દ્રનગર કોર્ટમાં જૂના કેસોની અંતિમ સુનાવણી ચાલી રહી છે. તેમણે દાવો કર્યો હતો કે ભાજપ દ્વારા જેલનો ડર બતાવી રાજુ કરપડાને આ પ્રેસ કોન્ફરન્સ કરવા માટે મજબૂર કરવામાં આવ્યા છે.
ઇટાલિયાએ વધુ એક ગંભીર દાવો કરતા કહ્યું હતું કે રાજુ કરપડાએ મોડી રાત્રે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે મુલાકાત કરી હતી અને આ રાજીનામું કોઈ મોટા સોદાનો ભાગ હોઈ શકે છે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે રાષ્ટ્રીય સ્તરના વકીલો રાજુ કરપડાને મળવા જેલમાં ગયા હતા, પરંતુ સરકારી વકીલોની ગેરહાજરીને કારણે જામીન પ્રક્રિયામાં વિલંબ થયો હતો.