Gujarat

વાહનમાં પ્રતિબંધિત વ્હાઇટ LED લાઇટ હશે તો લાઇસન્સ રદ થશે અને…

ગુજરાતમાં વધતા માર્ગ અકસ્માતોને ધ્યાનમાં રાખીને રાજ્ય વાહન-વ્યવહાર કમિશનરે વાહનોમાં ગેરકાયદેસર રીતે લગાવવામાં આવતી વધારે તેજવાળી વ્હાઈટ LED અને HID લાઇટ સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. હવે કંપની દ્વારા ફિટ કરેલી લાઇટ સિવાય કોઈપણ પ્રકારની સફેદ LED લાઇટ લગાવવામાં આવશે તો વાહનચાલક સામે દંડ, ડ્રાઈવિંગ લાઈસન્સ સસ્પેન્ડ કરવું તેમજ વાહન જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે રાજ્યભરમાં ટૂંક સમયમાં ખાસ સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવાની પણ સૂચના આપવામાં આવી છે.

વાહન-વ્યવહાર કમિશનરે ગાંધીનગરથી રાજ્યના તમામ RTO અને ટ્રાફિક પોલીસને પત્ર પાઠવી સ્પષ્ટ જણાવ્યું છે કે રાત્રિના સમયે વાહનમાં લગાવવામાં આવતી તેજ વ્હાઈટ LED લાઇટ સામે આવનારા વાહનચાલકોની આંખો પર ગંભીર અસર કરે છે. આવી લાઇટ્સના કારણે ડ્રાઈવર થોડા સેકન્ડ માટે દૃષ્ટિ ગુમાવી બેસે છે, જે ગંભીર અને જીવલેણ અકસ્માતનું કારણ બની શકે છે.

પત્રમાં વધુમાં ઉલ્લેખ કરાયો છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં ખાસ કરીને રાત્રિના અકસ્માતોમાં સફેદ LED લાઇટ એક મુખ્ય કારણ બની રહી છે. વરસાદ કે ધુમ્મસવાળા વાતાવરણમાં આવી લાઇટ વધુ જોખમી સાબિત થાય છે, જ્યારે પીળી અથવા વોર્મ યેલો લાઇટ તુલનાત્મક રીતે વધુ સુરક્ષિત માનવામાં આવે છે.

રાજ્યમાં અગાઉ પણ આ મુદ્દે વારંવાર સૂચનાઓ આપવામાં આવી હતી, પરંતુ ઘણા વાહનચાલકો દ્વારા નિયમોનું પાલન ન થતા હવે તમામ જિલ્લાઓમાં સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવાનો નિર્ણય લેવાયો છે. આ અભિયાન દરમિયાન ગેરકાયદેસર LED લાઇટ લગાવેલા વાહનોને રોકી લાઇટ દૂર કરાવવામાં આવશે અને નિયમ ભંગની ગંભીરતા મુજબ વાહન જપ્ત કરવાની કાર્યવાહી પણ કરવામાં આવશે.

વાહન-વ્યવહાર વિભાગે વાહન ડીલરોને પણ કડક ચેતવણી આપી છે કે તેઓ નવા કે જૂના કોઈપણ વાહનમાં અનધિકૃત વ્હાઈટ LED અથવા HID લાઇટ ફિટ ન કરે. જો કોઈ ડીલર દ્વારા નિયમોનો ભંગ થતો જણાશે તો તેની સામે પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે આ મુદ્દે અગાઉ અમદાવાદના આરટીઓ અધિકારી જે. જે. પટેલે પણ સ્પષ્ટતા કરી હતી કે જો ગેરકાયદેસર સફેદ LED લાઇટના કારણે કોઈ અકસ્માત સર્જાય તો તે વાહનનું રજિસ્ટ્રેશન પણ રદ થઈ શકે છે. વાહન-વ્યવહાર વિભાગના આ કડક નિર્ણયથી હવે રાજ્યમાં રોડ સેફ્ટી વધુ મજબૂત બનવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.