ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાનું સંકટ ઘેરાયેલું છે. એવામાં હવામાન વિભાગ દ્વારા વાવાઝોડાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. હવામાન મુજબ, બે દિવસમાં બિપરજોય વાવાઝોડું વધુ સક્રિય રહેવાનું છે. બિપોરજોયે દિશા બદલતા હવે પોરબંદર સહિત મુંબઈ, ગોવા અને કરાંચીના દરિયાકાંઠા પર વધારે ખતરો રહેવાનો છે. બિપોરજોય વાવાઝોડું હવે ગુજરાતના દરિયાકાંઠાથી માત્ર 604 કિલોમીટર દૂર રહેલું છે. જ્યારે 11 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી સતત આગળ વધી રહ્યું છે. ત્યારે હવે આજથી 15 જૂન સુધી ગુજરાતમાં વાવાઝોડાની અસર જોવા મળી શકે છે. ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહેલુ આ ચક્રવાત સતત શક્તિશાળી બનતું જોવા મળી રહ્યું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. વાવાઝોડાની અસરને જોતા પાંચ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે.
તેની સાથે ચાર દિવસ દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટીની અસર પણ જોવા મળશે. આજથી બે દિવસ 35 થી 45 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યત છે. બે દિવસ બાદ પવનની ગતિમાં હજુ વધારો થઈ શકે છે. પવનની ગતિ વધીને 50 થી 60 કિમી થવાની શક્યતા રહેલી છે. 13 જૂનના પવનની ઝડપ 70 કિમી થવાની શક્યતા રહેલી છે.
હવામાન વિભાગ મુજબ, આજથી સૌરાષ્ટ્રના દરિયા કિનારે અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ બનવાની શક્યતા રહેલી છે. તેની સાથે વીજળીના કડાકા ભડાકા સાથે સામાન્યથી હળવો વરસાદ વરસવાની શક્યતા રહેલી છે. અમદાવાદમાં પણ વરસાદની આગાહી કરી છે. તેની સાથે અમદાવાદમાં આજ સવારથી વાદળછાયું વાતાવરણ બન્યું છે.