GujaratNorth Gujarat

થરાદના કોઠી ગામ માં ભત્રીજાએ કાકા પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી હત્યા

રાજ્યમાં સતત ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ગુનેગારોને જાણે કોઈનો પણ ભય ના હોય તેમ ગુનાઓ આચરતા રહે છે. જ્યારે આજે આવી જ એક બાબત થરાદ તાલુકાના કોઠીગામથી સામે આવી છે. આ ગામમાં આધેડ કાકાની યુવા ભત્રીજા દ્વારા ઘાતક હથિયારો હુમલો કરી હત્યા કરવામાં આવી છે. કાકા ની ભત્રીજા દ્વારા હત્યા કરવામાં આવતા સમગ્ર ગામમાં ગમગીન માહોલ છવાઈ ગયો છે. જ્યારે મૃતકના મૃતદેહને થરાદની સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે. હાલમાં આ મામલામાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે, થરાદના કોઠીગામમાં રહેનાર હાજીખાન લાલખાન મલિકને દિલુખાન અનાથખાન મલિક નામના ભત્રીજા દ્વારા છરાના ત્રણ-ચાર ઘા મારીને મોતને ઘાટ ઉતારી નાખવામાં આવ્યા હતા.

આ ઘટનાને લઈને મૃતકના નાનાભાઇ હાજીખાન જીવણખાન મલિક અને સરજનખાન લાલખાન મલિક દ્વારા જણાવ્યું છે કે, મૃતક હાજીખાન લાલખાન ખેતરમાંથી ગામમાં આવીને ગામના હનુમાનજીના મંદિર નજીક બેસીને મોબાઇલ જોઇ રહ્યા હતા. તે સમયે તેમના ભત્રીજા દિલુખાન દ્વારા એકાએક હુમલો કરીને છરાના ત્રણ ચાર ઘા મારીને તેમની નજર સમક્ષ હત્યા કરવામાં આવી હતી. ઘટનાના લીધે સરકારી હોસ્પિટલમાં મૃતકના સંબંધીઓ મોટી સંખ્યામાં પહોંચી આવ્યા હતા. જ્યારે મૃતકને તેમના પરિવારજનો દ્વારા કપડાથી ઘાવને બાંધીને થરાદ લાવવામાં આવ્યા હતા. તેમ છતાં હત્યા ક્યા કારણોસર કરવામાં આવી છે તેને લઈને કોઈ જાણકારી સામે આવી નથી. હાલમાં આ મામલામાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.