રખડતા ઢોરનો વધ્યો ત્રાસ, ભાવનગરમાં એક મહિલાને અડફેટે લેતા જ…
રખડતા ઢોરનો ત્રાસ દિવસેને દિવસે સતત વધી રહ્યો છે. રખડતા ઢોરને કારણે અકસ્માતના કિસ્સાઓમાં પણ વધારો થઈ ગયો છે. તો વળી કેટલાક લોકોએ તો રખડતા ઢોરના કારણે થયેલ અકસ્માતમાં પોતાનો જીવ પણ ગુમાવવાનો વખત આવ્યો છે. ત્યારે આવો જ એક કિસ્સો હાલ ભાવનગરથી સામે આવ્યો છે. ભાવનગર ખાતે એક મહિલા રખડતા ઢોરની અડફેટે આવતા તેમનું મોટ નીપજ્યું છે. જેને લઈને હાલ તો લોકોમાં ચકચાર મચી જવા પામી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ભાવનગર જિલ્લાનો એક પરિવાર ભડી ગામેથી સ્કૂટર ઉપર સવાર થઈને પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો. ત્યારે અધેવાડા નજીક એક ઢોર એ આ પરિવારને હડફેટે લીધા હતા. જેને લઈને પરિવારની મહિલાને અત્યંત ગંભીર ઇજા પહોંચી હતી. જેથી મહિલાને તાત્કાલિક અસરથી સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન મહિલાનું કરુણ મોત નીપજ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ભાવનગર શહેરના ગાયત્રીનગર સામે વસવાટ કરતા કાજલબેન પંકજભાઈ શિયાળ અને તેમનો પરીવાર તારીખ 11/04/2023ના રોજ બાઇક લઈ ભડી ગામે ધાર્મિક પ્રસંગમાં ગયા હતા. અને પછી તેઓ ધાર્મિક પ્રસંગ પતાવીને પોતાના ઘરે પરત જઈ રહ્યા હતા તે દરમિયાન અઘેવાડા નજીક આવેલ ખોડીયાર માતાજીના મંદિર પાસે આખલાઓ લડી રહ્યા હતા. ત્યારે સાઈડમાં એકબાજુ ઉભા રહેલ દંપતિ તથા તેની નાની બાળકી ઉપર આખલા પડ્યા હતા. જેથી મહીલાને માંથાના ભાગે અત્યંત ગંભીર ઇજા પહોંચી હતી.
મહત્વનું છે કે, મહિલાને ગંભીર ઇજા પહોંચતા જ તેને ભાવનગર ખાતેની ખાનગી હોસ્પિટલમાં તાત્કાલિક અસરથી સારવાર માટે ખસેડવામાં આવી હતા. જ્યાં બે દિવસ હાલત અત્યંત ગંભીર જણાતા મહિલાને વધુ સારવાર અર્થે અમદાવાદ ખાતે આવેલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં આજરોજ સારવાર દરમિયાન મહિલાનું મોત નિપજ્યું હતું.
તમને જણાવી દઈએ કે, છેલ્લા ઘણા દિવસથી ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ઢોર પકડવાની કામગીરી બંધ હોય તેવું દેખાઈ રહ્યું છે.