ભારતમાં 53 દિવસથી લોકડાઉન: પોઝિટિવ કેસનો આંકડો ચીન કરતા પણ વધી ગયો
દેશમાં 53 દિવસથી લોકડાઉન છે છતાં કોરોના ના કેસ ઘટવાને બદલે વધી જ રહયા છે. કોરોના ના હોટસ્પોટ બનેલા ગુજરાત, દિલ્હી, મહારાષ્ટ્રમાં દરરોજ કેસ વધી રહયા છે. આજે ભારતમાં કોરોના ના કુલ પોઝિટિવ કેસનો આંકડો ચીન કરતા પણ વધી ગયો છે.
દેશમાં અત્યાર સુધી 85,939 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે અને 2752 લોકોના મોત થયા છે.દેશમાં અત્યાર સુધીમાં 30152 લોકો સારવાર બાદ સાજા થયા છે. ચીન ની વાત કરીએ તો ત્યાં કુલ પોઝિટિવ કેસનો આંકડો 82,941 છે જયારે 4633 લોકોના મોત થયા છે.ચીનમાં કુલ 78,219 લોકો સારવાર લઈને સાજા થયા છે.
ભારતમાં સૌથી વધુ પોઝિટિવ કેસ મહારાષ્ટ્રમાં છે. મહારાષ્ટ્રમાં કુલ 29100 કેસ છે અને 1068 લોકોના મોત થયા છે. તમિલનાડુમાં 10108 કેસ છે અને 71 લોકોના મોત થયા છે.ત્યારબાદ ગુજરાતમાં કુલ 9931 કેસ અને 606 લોકોના મોત થયા છે. દિલ્હીમાં કુલ 8895 કેસ છે અને 123 લોકોના મોત થયા છે.
અન્ય રાજ્યોની સરખામણી કરીએ તો ગુજરાતમાં મૃત્યુ દર વધારે છે. ગુજરાતમાં 3 શહેરો કે જ્યાં કેસ વધુ છે તેની વાત કરીએ તો અમદાવાદમાં સૌથી વધુ 7171 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 479 લોકોના મોત થયા છે. સુરતમાં કુલ 1015 કેસ નોંધાયા છે અને 47 લોકોના મોત થયા છે. વડોદરામાં કુલ 620 કેસ નોંધાયા છે અને 32 લોકોના મોત થયા છે. આમ ગુજરાતમાં કુલ 9931 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 606 લોકોના મોત થયા છે.