એક્સપર્ટે કહ્યુ કે ભારતમાં 10 અઠવાડિયા એટલે કે જૂન મહિના પહેલા લોકડાઉન હટશે તો ખતરનાક સાબિત થશે
કોરોના વાયરસના ચેપને રોકવા માટે હાલમાં ભારતમાં બે તબક્કામાં 40 દિવસનું લોકડાઉન છે અને લોકો 3 મેના રોજ દેશમાં લોકડાઉન સમાપ્ત થશે તેવી રાહ જોઈ રહયા છે. પરંતુ વિશ્વની અગ્રણી તબીબી જર્નલ લેન્સેટના મુખ્ય સંપાદક રિચાર્ડ હોર્ટન કહે છે કે ભારતે લોકડાઉન દૂર કરવામાં ઉતાવળ કરવી જોઈએ નહીં, લોકડાઉન ઓછામાં ઓછા 10 અઠવાડિયા સુધી થવું જોઈએ.
ભારતમાં હાલમાં લોકડાઉનનો બીજો તબક્કો ચાલી રહ્યો છે જે 3 મેના રોજ સમાપ્ત થશે. લોકોને આશા છે કે 3 મેથી લોકડાઉન પૂર્ણ થઈ જશે. જો કે રિચાર્ડ હોર્ટેને સૂચન આપ્યું હતું કે ભારતે લોકડાઉન દૂર કરવાની ઉતાવળ ન કરવી જોઈએ અને ઓછામાં ઓછા 10 અઠવાડિયા સુધી લોકડાઉન કરવાનું વિચારવું જોઇએ.રિચાર્ડ હોર્ટોને કહ્યું કે આ રોગચાળો કોઈ પણ દેશમાં કાયમી નથી. તે યોગ્ય સમયે ખતમ થઇ જશે.
તેમણે કહ્યું કે જો ભારતમાં લોકડાઉન સફળ થાય તો તમે જોશો કે આ રોગચાળો 10 અઠવાડિયામાં ચોક્કસ સમાપ્ત થઈ જશે. જો 10 અઠવાડિયા બાદ એટલે કે જૂન પછી ભારતમાં કોરોના વાયરસ ખતમ થઇ જાય તો પરિસ્થિતિ સામાન્ય થઇ શકે છે.રિચાર્ડ હોર્ટોને જણાવ્યું કે તે સાચું છે કે પરિસ્થિતિ સામાન્ય નથી. આપણે શારીરિક અંતર જાળવવું પડશે. માસ્ક પહેરવાના છે. ઉપરાંત લોકોએ સ્વચ્છતા માટે ખાસ ધ્યાન રાખવું પડશે.
ભારતમાં લોકડાઉન ટૂંક સમયમાં સમાપ્ત થશે તે તારીખની પ્રતિક્રિયા આપતાં તેમણે કહ્યું હું સમજું છું કે તમારે આર્થિક પ્રવૃત્તિઓ ફરી શરૂ કરવી પડશે, પરંતુ તે માટે ઉતાવળ કરવી જોઈએ નહીં. જો તમે ઉતાવળમાં લોકડાઉન હટાવશો અને પછી રોગનો બીજો તબક્કો શરૂ થશે જે પ્રથમ તબક્કા કરતા ખરાબ હોઈ શકે છે. તેમણે કહ્યું કે દરેક જણ કામ પર જવા માંગે છે, પરંતુ હું તમને અપીલ કરું છું કે ઉતાવળ ન કરો.
તેમણે કહ્યું કે તમારે લોકડાઉનના ખૂબ જ પ્રારંભિક તબક્કામાંથી પસાર થવું પડશે. તમે તમારા લોકડાઉનમાં ઘણો સમય પસાર કર્યો છે. તેને બગાડો નહીં અને ઓછામાં ઓછા 10 અઠવાડિયા લોકડાઉન રાખો.
તેમણે કહ્યું કે ચીનમાં વુહાને ખુબ જ આક્રમકઃ રીતે લોકડાઉન કર્યું હતું. 23 જાન્યુઆરીથી એપ્રિલના પહેલા અઠવાડિયા સુધી ત્યાં કડક લોકડાઉન હતું. તેઓ હવે સામાન્ય બની રહ્યા છે. હકીકતમાં બધા રોગશાસ્ત્રના મોડેલો દર્શાવે છે કે તેમને આ કરવાની જરૂર છે કારણ કે વાયરસની પ્રકૃતિ આ છે. જો તમે શારીરિક અંતર જાળવશો નહીં તો તે વસ્તીમાં ઝડપથી ફેલાય છે.