અમેરિકામાં ભારતીય શખસે પત્ની સહિત 4ની હત્યા કરી
અમેરિકાના જ્યોર્જિયા રાજ્યમાં એક હૃદયદ્રાવક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં ભારતીય મૂળના એક વ્યક્તિએ પોતાના ઘરમાં જ પત્ની સહિત ચાર લોકોને ગોળી મારી મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ ઘટનામાં ત્રણ નાનાં બાળકો ઘરના કબાટમાં છુપાઈ જતા તેમનો જીવ બચી ગયો હતો.
પોલીસે આરોપીની ઓળખ 51 વર્ષના વિજય કુમાર તરીકે કરી છે. આ ગોળીબારમાં તેની પત્ની મીનુ ડોગરા ઉપરાંત તેના ત્રણ સંબંધી નિધિ ચંદર, હરીશ ચંદર અને ગૌરવ કુમારના મોત થયા છે. પોલીસે વિજય કુમારની ધરપકડ કરી લીધી છે અને પ્રાથમિક તપાસમાં આ હત્યાઓ ઘરેલુ વિવાદના કારણે થઈ હોવાનું સામે આવ્યું છે. ગોળીબાર સમયે ઘરમાં હાજર ત્રણ બાળકો કબાટમાં છુપાઈ ગયા હતા, જેના કારણે તેઓ સુરક્ષિત રહી શક્યા.
આ ઘટના જ્યોર્જિયાના લોરેન્સવિલે શહેરમાં ગુરુવાર રાત્રે બની હતી. પોલીસ મુજબ, ગોળીબાર દરમિયાન ઘરમાં ત્રણ બાળકો પણ હાજર હતાં, પરંતુ તેઓ પર કોઈ શારીરિક ઇજા થઈ નથી. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભય અને શોકનો માહોલ જોવા મળ્યો હતો.
આ મામલે એટલાન્ટા સ્થિત ભારતીય દૂતાવાસે પણ પ્રતિક્રિયા આપી છે. દૂતાવાસે જણાવ્યું છે કે આ દુઃખદ ઘટનાથી તેઓ અત્યંત વ્યથિત છે અને પીડિત પરિવારને શક્ય તમામ મદદ પૂરી પાડવામાં આવી રહી છે. દૂતાવાસે એ પણ જણાવ્યું કે આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને મામલાની કાયદેસર કાર્યવાહી ચાલી રહી છે.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે ગોળીબાર શરૂ થવાના સમયે ત્રણ બાળકો હાજર હતાં. પોતાની સુરક્ષા માટે બાળકો એક કબાટમાં છુપાઈ ગયાં.