નમસ્કાર મિત્રો,આજે આપણે એવા વ્યક્તિની વાત કરીશું જેઓ આંખેથી જોઈ શકતા નથી,છતાં તેઓ 68 વર્ષની ઉંમરે આત્મનિર્ભર કામ કરી પરિવારનું પાલન પોષણ કરે છે.68 વર્ષીય આ વ્યક્તિનું નામ મગનભાઇ રવાજી ઠાકોર છે,જેઓ ચાણસ્મા તાલુકાના સોજીંત્રા ગામના વતની છે.
10 વર્ષની ઉંમરે કોઇ કારણોસર આંખમાં ખામી થતા પરિવાર દ્વારા સામાન્ય સારવાર બાદ અમદાવાદ ખાતે આંખોની તપાસ માટે લઇ ગયા હતા પરંતુ તે સમય વધુ સારવાર ન મળતા દ્રષ્ટિ ગુમાવતાં પ્રજ્ઞાચક્ષુ બન્યા હતા.એ સમયે તેઓની આંખે અંધારું આવી ગયું છતાં તેમણે હિંમત ન હારી અને તેમણે ધોરણ 10 સુધી અંધશાળામાં અભ્યાસ કર્યો હતો.
સાથે-સાથે વણાટ કારીગરીની તાલીમ પણ લીધી હતી.મગનભાઇ અંધ હોવા છતા તેમણે બીજા કોઈનો સહારો લેવાના બદલે મક્કમ મનોબળ સાથે મેળવેલ તાલીમને જ પોતાનું કામ બનાવી અત્યારે જનતા હોસ્પિટલ રોડ પર નાની દુકાનમા વણવાનું કામ ( કેનિંગ ) કરી રહ્યા છે.મગનભાઈ ઠાકોર રોજ સવારે પોતાના ગામથી દુકાને આવવા માટે બસમાં અપડાઉન કરે છે.
તેઓને કામમાં બે-ત્રણ દિવસે એક-બે ખુરશીઓ મળી રહે છે જેમાંથી રૂ.100-200 રૂપિયા કમાય છે.કહેવાય છે કે કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી,ખરેખર મગનભાઈ આંખેથી જોઈ શકતા ન હોવા છતાં આવું કામ કરવું એ માટે સલામ છે.તેઓએ કહ્યું,આંખે જોઈ શકતો ન હોવા છતા જાતે મહેનત કરી જીવન જીવું છું એ મને ખૂબ સારું લાગે છે.