AhmedabadGujarat

ખેડામાં ધોરણ-12ના વિદ્યાર્થીને ચાલુ ક્લાસમાં હાર્ટએટેક આવતા કરૂણ મોત

દેશમાં હાર્ટ એટેક ના કેસ ઝડપથી વધી રહ્યા છે. કોઈ ચાલતા ચાલતા તો કોઈ ડાન્સ કરતા કરતા પણ હાર્ટ એટેકથી મૃત્યુ પામે છે તેવા વિડીયો સામે આવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર આવા ઘણા વીડિયો વાયરલ થયા છે, જેમાં કોઈ જીમમાં વર્કઆઉટ કરતી વખતે અને કોઈ ડાન્સ કરતી વખતે અચાનક નીચે પડી જાય છે અને તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થાય છે. જ્યારે આજે એવો કિસ્સો સામે આવ્યો છે તેને જાણીને તમારા હોશ ઉડી જશે. કેમ કે ધોરણ-12 ના વિદ્યાર્થીનું હાર્ટએટેક આવતા કરૂણ મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત માહિતી મુજબ, ખેડા જિલ્લાના સેવાલિયા તાલુકાના થર્મલની શાળામાં ચાલુ ક્લાસમાં ધોરણ 12 ના વિદ્યાર્થીને હાર્ટએટેક આવતા કરૂણ મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. આ વિદ્યાર્થીને ચાલુ ક્લાસમાં હાર્ટએટેક આવ્યો અને તે અચાનક ઢળી પડ્યો હતો. ત્યાર બાદ તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. ત્યાં રહેલા તબીબો દ્વારા વિદ્યાર્થીને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

જાણકારી અનુસાર, બાલાસિનોરમાં આવેલ થર્મલની સ્કુલમાં ધોરણ 12 કોમર્સમાં અભ્યાસ કરનાર યશ દિપકભાઇ માનવાણી મંગળવારના રોજ રાબેતા મુજબ અભ્યાસ કરવા માટે આવ્યો હતો. એવામાં અચાનક યશને હાર્ટએટેક આવતા તે રૂમમાં જ ઢળી પડ્યો હતો. ત્યાર બાદ તેને સારવાર માટે નજીક હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. પરંતુ તે પહેલા તેનો જીવ લાગ્યો હતો. હોસ્પિટલમાં તબીબો દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

હાર્ટ એટેક કેમ આવે છે?

હાર્ટ એટેક એ મોટાભાગે અમુક ઉંમર પછી આવતો હોવાનું મનાય છે. પરંતુ હમણાં ઘણા સમયથી હાર્ટએટેકના કારણે ગુજરાતના અનેક યુવાનો મૃત્યુ પામ્યા છે. છેલ્લા બે મહિનામાં હાર્ટ એટેકના કારણે ગુજરાતના 20 થી વધુ યુવકોના મોત નિપજ્યાં છે. જેને લઈને તબીબો પણ આ વાતનું સાચું કારણ શોધી રહ્યા હતા કે આખરે આવું કેમ થઈ રહ્યું છે. ત્યારે કારણ શોધી રહેલા નિષ્ણાતોના મતે યુવાનોને આવતા હાર્ટએટેક એ કોરોના ઈફેક્ટ છે. શારીરિક શ્રમ તેમજ શરીરમાં પ્લેક ફાટવાને લીધે આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે આવો જાણીએ આ પ્લેક શું છે.