ઉત્તર કોરિયામાં આપઘાતના કેસ વધતા કિમ જોંગે આપ્યો આ મોટો આદેશ
એવું તો શું થયું કે ઉત્તર કોરિયાના લોકો જીવવા માંગતા નથી. એક પછી એક ઉત્તર કોરિયાના નાગરિકો જીવનનો અંત લાવવા માટે આપઘાત કરી રહ્યા છે. એક રિપોર્ટ અનુસાર ઉત્તર કોરિયામાં આત્મહત્યાની સંખ્યામાં 40 ટકાનો વધારો થયો છે. સરમુખત્યાર કિમ જોંગ ઉન પણ આ દેશમાં આત્મહત્યાના ઉશ્કેરાટથી હચમચી ગયા છે. સામાન્ય રીતે તેની આસપાસના લોકો, મંત્રીઓ વગેરેને નાની-નાની ભૂલો માટે પણ ક્રૂર મોત આપનાર સરમુખત્યારનું હૃદય પણ આ ઘટનાથી કંપી ઉઠ્યું છે.
એટલા માટે કિમ જોંગ ઉને લોકોને અપીલ કરી છે કે “પોતાની હત્યા ન કરો”… મતલબ આત્મહત્યા ન કરો. તેણે આને રોકવાનો આદેશ પણ જાહેર કર્યો છે. રેડિયો ફ્રી એશિયા સાથે વાત કરનારા સરકારી અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉને સ્થાનિક સત્તાવાળાઓને આત્મહત્યા પર પ્રતિબંધ મૂકવાનો આદેશ જારી કર્યો છે કારણ કે આંકડા આસમાને છે. જો કે આત્મહત્યાના ચોક્કસ આંકડા જાહેર થયા નથી.
મે મહિનામાં, દક્ષિણ કોરિયાના ગુપ્તચરોએ અનુમાન લગાવ્યું હતું કે ઉત્તર કોરિયામાં આત્મહત્યામાં ગત વર્ષની સરખામણીએ લગભગ 40% વધારો થયો છે. ઉત્તર-પૂર્વીય પ્રાંત નોર્થ હેમગ્યોંગના એક અધિકારીએ રેડિયો ફ્રી એશિયાને જણાવ્યું કે કિમના આદેશનો ઉત્તર કોરિયાના પ્રાંતોમાં ઇમરજન્સી બેઠકોની શ્રેણીમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત આત્મહત્યાની સંખ્યા તેમજ સમગ્ર પરિવારના સભ્યોએ આત્મહત્યા કરી હોવાના ઉદાહરણોનો ડેટા આપવામાં આવ્યો હતો.
અધિકારીએ દાવો કર્યો હતો કે મીટીંગમાં ભાગ લેનારાઓ “દેશ અને સામાજિક વ્યવસ્થાની ટીકા કરનારાઓ પણ સુસાઈડ નોટના ઘટસ્ફોટથી ચોંકી ગયા હતા.” અન્ય એક અધિકારીએ રેડિયો ફ્રી એશિયાને જણાવ્યું હતું કે સમુદાય પર આત્મહત્યાની અસર ભૂખમરા કરતા વધારે છે.