બાપ રે…અહીંયા તો મજૂરો ને સેનિટાઇઝરથી નવડાવી દીધા, કલેકટરે તપાસના આદેશ આપ્યા
ઉત્તર પ્રદેશના બરેલીમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દિલ્હીથી પાછા ફરેલા મજૂરોને સેનિટાઇઝરથી નવડાવવામાં આવ્યા હતા. આવા કૃત્ય બદલ તંત્રે પોતાની ભૂલ સ્વીકારી છે. ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટે જણાવ્યું હતું કે, આ કાર્યવાહી અતિસક્રિયતા ને કારણે લેવામાં આવી છે. અમે જવાબદાર લોકો સામે કાર્યવાહી કરીશું. વિરોધી પક્ષોએ આ મુદ્દો ઉઠાવ્યો હતો અને યોગી સરકાર-યુપી પોલીસની નિંદા કરી હતી.
વિડીયો વાયરલ થઇ જતા બરેલીના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટે કહ્યું આ વીડિયોની તપાસ કરવામાં આવી છે, અસરગ્રસ્તોને સીએમઓના નિર્દેશન હેઠળ સારવાર આપવામાં આવી રહી છે. બરેલી મ્યુનિસિપલ કોર્પોરેશન અને ફાયર બ્રિગેડની ટીમે બસોને સેનિટાઇઝ કરવાની સૂચના આપી હતી, પરંતુ તેઓએ અતિસંવેદનશીલતાને કારણે આવું કર્યું. સંબંધિત સામે કાર્યવાહી કરવા સુચના આપવામાં આવી છે.
દિલ્હીથી બરેલીના સેટેલાઇટ બેઝ પર પાછા ફરતા કામદારો બસની રાહ જોતા હતા. ત્યારબાદ પોલીસે ત્યાં પહોંચી દરેકને એક લાઈનમાં બેસાડ્યા અને તે પછી તેઓને સોડિયમ હાયપોક્લોરાઇડવાળા પાણીથી સ્નાન કરાવ્યું. એટલે કે તેઓને સેનિટાઇઝરથી નવડાવવામાં આવ્યા હતા. કેટલાક લોકોની આંખો લાલ થઈ ગઈ અને કેટલાક નાના બાળકો રડવા લાગ્યા. સ્પ્રે થયા બાદ લોકો નાસી છૂટયા હતા.
સેનિટાઈઝરથી સ્નાન કરાવવાનો વીડિયો વાયરલ થતાં વિપક્ષે યોગી સરકાર પર નિશાન સાધ્યું હતું. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડરાએ કહ્યું હતું કે ‘યુપી સરકારને વિનંતી છે કે આપણે બધા મહામારી સામે લડી રહ્યા છીએ, પરંતુ કૃપા કરીને આવું અમાનવીય કૃત્યો ન કરો. કામદારોએ પહેલેથી જ ઘણી હાલાકી ભોગવી છે.