નવા રૂપ-રંગવાળું લોકડાઉન આજથી લાગુ: નવી ગાઇડલાઇન મુજબ કેટલી છૂટ મળી, જાણો
દેશમાં કોરોના વાયરસના કહેરને જોતા છેલ્લા 2 મહિનાથી દેશ લોકડાઉન છે. કોરોના વાયરસ સંકટ સામે લડવા માટે દેશમાં આજથી લોકડાઉન 4.0.ની શરૂઆત થઈ છે. આ વખતે લોકડાઉનમાં કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યોને વધુ સત્તાઓ આપવામાં આવી છે, જ્યારે કેટલીક છૂટછાટોમાં પણ વધારો કરવામાં આવ્યો છે.વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રૂ20 લાખ કરોડના આર્થિક પેકેજની તેમજ લોકડાઉન 4.0 ની જાહેરાત અંગે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે લોકડાઉન 4.0.૦ એક નવો દેખાવ અને લાગણી હશે.ત્યારે હવે નવા રૂપ-રંગવાળું લોકડાઉન આજથી લાગુ થઇ ગયું છે.
આ વખતે લોકડાઉનમાં કેન્દ્ર સરકારે કેટલીક બાબતોમાં છૂટછાટ આપી છે અને કેટલીક પર પ્રતિબંધ પહેલાની જેમ જ ચાલુ રહ્યો છે. લોકડાઉન 4.0 માં કેન્દ્ર સરકારે માત્ર ખેલાડીઓની પ્રેક્ટિસ માટે સ્ટેડિયમ અને રમતગમત સંકુલ ખોલવાની મંજૂરી આપી છે. તમામ પ્રકારના ટ્રક ને પણ હેરાફેરી માટે મંજૂરી આપી છે.
હોટસ્પોટ્સ સિવાય ના ગ્રીન, ઓરેન્જ અને રેડ ઝોનમાં બિન-આવશ્યક ચીજવસ્તુઓની પણ ડિલિવરી કરવાની મંજૂરી આપવામાં આવી છે. રેસ્ટોરન્ટ્સને હોમ ડિલિવરી માટે મંજૂરી આપવામાં આવી છે. આ સાથે રેડ, ગ્રીન અને ઓરેન્જ ઝોન ઉપરાંત, કેન્દ્ર સરકાર દ્વારા બે નવા ઝોન કન્ટેન્ટ ઝોન અને બફર ઝોનના રૂપમાં ઉમેરવામાં આવ્યા છે.
સલૂન, મીઠાઈની દુકાન અને અન્ય દુકાનોને ખોલવાની મંજૂરી છે. પરંતુ આ રાજ્ય સરકારો નિર્ણય લેશે કે તેમને કઈ દુકાન ખોલવી છે અને દુકાનો ખોલવા માટે કયા નિયમો હોઈ શકે છે. એટલે કે આર્થિક ગતિ વધારવા દુકાનો ખુલી શકે છે પણ નિયમોનું પાલન ફરજીયાત કરવું પડશે.છેલ્લા 50 દિવસથી બંધ બસ સેવા પણ હવે ચાલુ કરવામાં આવશે. તેમજ બસો એક રાજ્યથી બીજા રાજ્યમાં જઈ શકશે. પરંતુ બંને રાજ્યો વચ્ચે સંમતિ જરૂરી છે. આ સિવાય ખાનગી વાહનો પણ એક રાજ્યથી બીજા રાજ્યમાં જઈ શકશે. જો કે આ બધા માટે જરૂરી નિયમોનું પાલન પણ કરવું પડશે.
પાછલા લોકડાઉનની જેમ પેસેન્જર ટ્રેનો, ડોમેસ્ટિક અને ઇંન્ટરનેશનલ ફ્લાઇટ્સ, મેટ્રો સર્વિસ, સિનેમા હોલ, શોપિંગ મોલ આ વખતે પણ બંધ રહેશે. આ ઉપરાંત જાહેર કાર્યક્રમો, ધાર્મિક સ્થળો, રાજકીય કાર્યક્રમો પર પ્રતિબંધ ચાલુ જ રહેશે.