મંગળવારે સાંજે ઝારખંડના બોકારોમાં સંથાલડીહ રેલ્વે ક્રોસિંગ પાસે ટ્રેન ડ્રાઇવરની મનની હાજરીને કારણે મોટી ટ્રેન દુર્ઘટના ટળી હતી. વાસ્તવમાં, નવી દિલ્હી-ભુવનેશ્વર રાજધાની એક્સપ્રેસ પસાર થઈ રહી હતી ત્યારે ક્રોસિંગ નજીક રેલવે ફાટક સાથે ટ્રેક્ટર અથડાયું હતું,પરંતુ ટ્રેનના ડ્રાઈવરે સમયસર બ્રેક મારતા મોટી દુર્ઘટના ટળી હતી. ટ્રેક્ટર જપ્ત કરવામાં આવ્યું છે અને ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. ગેટમેનને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. ટ્રેક્ટરનો ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.
આ ઘટના મંગળવારે સાંજે 5 વાગ્યે બની હતી, જેના કારણે ટ્રેન 45 મિનિટ મોડી પડી હતી. ભોજુડીહ રેલ્વે સ્ટેશન નજીક સંથાલડીહ રેલ્વે ક્રોસિંગ પર આ અકસ્માત થયો હતો અને ટ્રેક્ટર રેલ્વે ટ્રેક અને ફાટક વચ્ચે ફસાઈ ગયું હતું. સાઉથ ઈસ્ટર્ન રેલવેના આદ્રા ડિવિઝનલ રેલવે મેનેજર મનીષ કુમારે જણાવ્યું હતું કે બોકારો જિલ્લાના રેલવે સ્ટેશનના સંથાલડીહ રેલવે ક્રોસિંગ પર ટ્રેક્ટર રેલવે ફાટક સાથે અથડાયું હતું. જોકે, ટ્રેનના ચાલકે બ્રેક લગાવી દેતા ટ્રેન થંભી ગઈ હતી અને મોટી દુર્ઘટના ટળી હતી.
આ ઘટના એવા સમયે બની છે જ્યારે ઓડિશાના બાલાસોરમાં એક મોટો ટ્રેન અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ઓછામાં ઓછા 278 લોકોના મોત થયા છે અને 900થી વધુ લોકો ઘાયલ થયા છે. બેંગલુરુ હાવડા સુપરફાસ્ટ એક્સપ્રેસ, શાલીમાર ચેન્નાઈ સેન્ટ્રલ કોરોમંડલ એક્સપ્રેસ અને માલગાડી વચ્ચે સામસામે અથડામણને કારણે આ અકસ્માત થયો હતો.