નવનીત બાલધિયા પર થયેલા ચકચારી હુમલા કેસમાં SITની તપાસ હવે નિર્ણાયક તબક્કામાં પહોંચી ગઈ છે. શરૂઆતથી જ જેમના પર ગંભીર આક્ષેપો થઈ રહ્યા હતા તે જયરાજ આહીરને આજે બપોરે ફરી એકવાર રેન્જ આઈજીની કચેરીએ નિવેદન નોંધાવવા બોલાવવામાં આવ્યા હતા. જયરાજ આહીર કચેરીએ હાજર થયા બાદ SIT દ્વારા તેમની સતત બે કલાક સુધી સઘન પૂછપરછ કરવામાં આવી હતી. લાંબી પૂછપરછ બાદ SITએ આ કેસમાં જયરાજ આહીરની ધરપકડ કરી લીધી છે.
SIT દ્વારા પૂછપરછ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આઈજી કચેરી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. સમગ્ર પ્રક્રિયા દરમિયાન સુરક્ષા વ્યવસ્થા કડક રાખવામાં આવી હતી.
આ કેસની તલસ્પર્શી તપાસ દરમિયાન SITએ મળેલા પુરાવા, સાક્ષીઓના નિવેદનો, આરોપીઓ વચ્ચેના મોબાઈલ સંપર્ક, લોકેશન ડેટા સહિત અન્ય મહત્વની વિગતોની ઊંડાણપૂર્વક ચકાસણી કરી હતી. આ તમામ તપાસના આધારે જયરાજ આહીરની સંડોવણીને લઈને પૂરતા પુરાવા મળી આવતા SITએ તેને વધુ પૂછપરછ માટે બોલાવ્યો હતો. આજની પૂછપરછ દરમિયાન હુમલાની ઘટનામાં તેની ભૂમિકા સ્પષ્ટ થતી હોવાથી SIT દ્વારા જયરાજ આહીરની આ ગુનામાં ધરપકડ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે ત્રણ દિવસ અગાઉ પણ બગદાણાના કોળી યુવક નવનીત બાલધિયા પર થયેલા હુમલા કેસમાં લોકગાયક માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરને SIT દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યા હતા. તે સમયે જયરાજ SIT સમક્ષ હાજર થયો હતો અને તેની સાડા ત્રણ કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારે નિવેદન આપી બહાર આવેલા જયરાજ આહીરે મીડિયાને જણાવ્યું હતું કે SIT દ્વારા પૂછાયેલા તમામ પ્રશ્નોના તેણે જવાબ આપ્યા છે અને ભવિષ્યમાં પણ બોલાવાશે તો સહકાર આપવા તૈયાર છે.
બીજી તરફ, નવનીત બાલધિયાએ આ હુમલા કેસને લઈને SITને 15 મહત્વના પુરાવા આપ્યા હોવાનો દાવો કર્યો હતો. SITની બે કલાક લાંબી પૂછપરછ બાદ બાલધિયાએ જણાવ્યું હતું કે આ પુરાવાના આધારે તપાસ કરવામાં આવે તો મુખ્ય સૂત્રધાર સુધી સરળતાથી પહોંચી શકાય છે. તેણે ફરી એકવાર દાવો કર્યો હતો કે તેના પર થયેલો હુમલો જયરાજ આહીરે જ કરાવ્યો છે. બાલધિયાએ એટલું પણ કહ્યું હતું કે સામાન્ય કોન્સ્ટેબલ સુધી પણ આ વાત માનતા હોવાનું તેણે જણાવ્યું છે કે આ હુમલા પાછળ જયરાજ આહીરનો હાથ છે.