AhmedabadGujarat

હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને કરી મોટી આગાહી

રાજ્યમાં થોડા દિવસોમાં વરસાદી વિરામ બાદ રાજ્યમાં ફરી વરસાદી માહોલ બન્યો છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ જોવા મળ્યો છે. એવામાં હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે કે, રાજ્યમાં પાંચ દિવસમાં 24 કલાકમાં ભારે વરસાદ રહેવાનો છે. આજથી ગુજરાતમાં છુટોછવાયો વરસાદ રહેવાનો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વરસાદ જોવા મળશે. સૌરાષ્ટ્રમાં દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ બનશે. આ સિવાય આગામી 24 કલાકમાં છોટા ઉદેપુરમાં ભારે થી અત્યંત અતિભારે વરસાદ રહેવાનો છે. તેમાં પણ ભરૂચ, વડોદરા, દાહોદ, પંચમહાલ, વલસાડ અને દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ જોવા મળશે. આ સિવાય સુરત, તાપી, નવસારી, ડાંગ, સોમનાથ, અમરેલી, ભાવનગર, અમદાવાદ ગ્રામ્ય વિસ્તાર અને ખેડામાં ભારે વરસાદની આગાહી કરી છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આજથી ઓગષ્ટની શરૂઆત સુધીમાં રાજ્યના અલગ અલગ ભાગોમાં વરસાદ વરસવાની શક્યતા રહેલી છે. જેમાં મુંબઈ મહારાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે. જ્યારે વલસાડમાં ભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ નવસારી અને ભરૂચમાં વરસાદની શક્યતા રહેલી છે. તારીખ 5 ઓગષ્ટ સુધીમાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની શક્યતા રહેલી છે.

અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, તારીખ 28 થી ઓગષ્ટની શરૂઆત સુધીમાં ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેલી છે. પંચમહાલના ભાગોમાં વરસાદની સંભાવના તેના સિવાય મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદ સુધી વરસાદની શક્યતા રહેલી છે. 1 ઓગસ્ટમાં બંગાળમાં ઉપસાગરમાં એક ડીપ ડિપ્રેશન બનવાની શક્યતાના લીધે ઓરિસ્સા, આંધ્રપ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળમાં વરસાદની શક્યતા રહેલી છે. આ સિસ્ટમનો માર્ગ મધ્યપ્રદેશના વિસ્તારો તરફ જવાની શક્યતા રહેલી છે. તેના લીધે 8 થી 9 ઓગસ્ટ સુધીમાં મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળવાની શક્યતા રહેલી છે. તેની સાથે ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળવાની શક્યતા રહેલી છે.