ગુજરાતમાં હાલ ગરમીનો પારો વધ્યો છે. તેના લીધે ત્રાહિમામ પુકારી ગયા છે. કેમકે છેલ્લા થોડા દિવસોમાં ગરમી સતત વધી છે. એવામાં હવામાન વિભાગ દ્વારા ગરમીને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા કચ્છ અને સૌરાષ્ટ્રમાં આગામી પાંચ દિવસ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. હવામાન વિભાગ મુજબ કચ્છમાં આગામી પાંચ દિવસમાં તાપમાન ૪૦ ડિગ્રીને પાર જવાની શક્યતા રહેલી છે.
હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, “આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યભરના તાપમાનમાં ૨-૩ ડિગ્રીનો વધારો જોવા મળવાનો છે. તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ જોવા મળશે. તેના લીધે આગામી પાંચ દિવસ કચ્છ તેમજ સૌરાષ્ટ્રમાંથી પોરબંદરમાં ગરમી પારો વધવાનો છે તેના લીધે ત્યાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવેલ છે. એવામાં આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર – કચ્છના અનેક વિસ્તારમાં ગરમીનું જોર વધવાનું છે.
નોંધનીય છે કે, અમદાવાદમાં પણ ગરમીનો પારો ચડ્યો છે. અમદાવાદમાં ૩૭.૩ ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં એક ડિગ્રીનો વધારો જોવા મળ્યો હતો. આગામી પાંચ દિવસ અમદાવાદમાં ૩૯ ડિગ્રીની આજુબાજુ તાપમાન રહેવાની શક્યતા છે. તેની સાથે હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી ૨૫ માર્ચથી અમદાવાદમાં તાપમાન ૪૧ ડિગ્રી પહોંચવાની શક્યતા રહેલી છે.