ધારાસભ્યના પુત્ર અને પોલીસ કોન્સ્ટેબલ વચ્ચે માથાકૂટ થતા પોલીસ કોન્સ્ટેબલ હોસ્પિટલમાં સારવાર હેઠળ
ભાજપના ધારાસભ્ય અને એક પોલીસ કોન્સ્ટેબલ વચ્ચે તળાજા તાલુકાના પાલિતાણા ચોકડી પાસે આવેલ એક રેસ્ટોરન્ટ પાસે બે દિવસ અગાઉ સામાન્ય બાઇક અથડાયા પછી માથાકુટ થઇ હતી. જે પછી ધારાસભ્યના પુત્રએ સમાધાન માટે કોન્સ્ટેબલને બોલાવ્યા બાદ બંને એકબીજાની સામસામે આવીને બાખડ્યા હતા. આ દરમિયાનમાં પોલીસ કોન્સ્ટેબલને ગંભીર હાલતમાં ભાવનગરની સર.ટી. હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડ્યો હતો. ધારાસભ્યના પુત્રએ ખૂબ માર માર્યો હોવાનો ગંભીર આક્ષેપ પોલીસ કોન્સ્ટેબલે કર્યો હતો. બીજી બાજુ ધારાસભ્યના પુત્રએ પણ આ મામલે તળાજા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, બે દિવસ પહેલા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકા ખાતે ભાજપના ધારાસભ્ય ગૌતમ ચૌહાણના પુત્ર ગૌરવ ચૌહાણ તેની કાર લઇ તળાજાની દિપ હોટલથી ફાર્મ ટ્રેક રોડ પર ગાડી ચલાવી રહ્યો હતો. ત્યારે પોલીસ કોન્સ્ટેબલ શૈલેષ ધાંધલ્યા અને તેની પાછળ બેઠેલ એક અજાણ્યો શખ્સ ધારાસભ્યના પુત્રની કારને ઓવરટેક કરવા જઇ રહ્યા હતા. તે દરમિયાન બાજુના ખાળિયામાં કૌન્સ્ટેબલની બાઇક ઉતરી ગઈ હતી. જેથી કોન્સ્ટેબલ શૈલેષ ધાંધલ્યા અને કાર ચાલક ગૌરવ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. બાદમાં ધારાસભ્યના પુત્રએ આ મામલાના સમાધાન માટે કોન્સ્ટેબલ શૈલેષ ધાંધલ્યાને પાલિતાણા ચોકડી નજીક આવેલ સતનામ ધાબા ખાતે બોલાવ્યો હતો.
નોંધનીય છે કે, સમાધાન માટેની મુલાકાત દરમિયાન કોન્સ્ટેબલ અને ધારાસભ્યના પુત્ર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. અને પછી બંને એકબીજાની સામસામી આવીને બાખડ્યા હતા. પોલીસ કોન્સ્ટેબલે આક્ષેપ કર્યો છે કે, ધારાસભ્ય ગૌતમ ચૌહાણના પુત્ર ગૌરવ ચૌહાણ અને અન્ય શખ્સોએ મળીને તેને ખૂબ માર માર્યો છે. તો આ મામલે ગૌરવ ચૌહાણે પણ પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.