AhmedabadGujarat

કે.ડી. શેખાવત નામના નબીરાએ તથ્ય પટેલના સમર્થનમાં વીડિયો બનાવીને પોલીસને આપી સલાહ તો મીડિયાને કહ્યા અપશબ્દો

અમદાવાદ શહેરના ઇસ્કોન બ્રિજ પર બુધવારની મોડી રાત્રે થયેલા ગોઝારા અકસ્માતમાં 9 લોકો મૃત્યુ પામ્યા હતા. આ અકસ્માતના આરોપી તથ્ય પટેલ પર તમામ ગુજરાતીઓને ભારે ગુસ્સો છે. આકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવાર સહિત ગુજરાતના તમામ લોકો તથ્યને કડકમાં કડક આકરી સજા થાય તેવી માંગ કરી રહ્યા છે. તો આ બધા વચ્ચે કે.ડી.શેખાવત નામના એક યુવકે અકસ્માતમાં 9 પરિવારોની ખુશી છીનવી લેનાર આરોપી તથ્યના સમર્થનમાં વીડિયો બનાવ્યો છે. અને પોલીસે કેવી રીતે કામ કરવું જોઈએ તેની પણ આ કે.ડી.શેખાવતે સલાહ આપી છે.

આ પણ વાંચો: ઇસ્કોન અકસ્માત: તથ્ય સાથે કારમાં બેઠેલી યુવતીએ કર્યો મોટો ખુલાસો, મે તથ્ય ને કહ્યું હતું કે…

કે.ડી શેખાવત નામનો યુવક વીડિયોમાં કહી રહ્યો છે કે, ‘તથ્યની પાસે મોટું નામ અને રૂપિયા છે એટલે આ ઘટનામાં બધું તેના ઉપર જ ઢોળી દેવામાં આવ્યું. હું તમને જણાવુ કે ગંદી રાજનીતિ શું હોય છે. અત્યારે કોઈ એ વાત નથી કરતું કે જે ઇસ્કોન બ્રિજ પર અકસ્માત થયો ત્યાં લાઈટો નહોતી. બીજુ કે ત્યાં ટ્રક અને થાર વચ્ચે પહેલેથી જ અકસ્માત સર્જાયેલો હતો. તો ત્યાં રોડની વચ્ચો વચ્ચ 40 લોકો શું કરી રહ્યા હતા.’ સાથે જ આ યુવકે મીડિયા ઉપર પણ ગંભીર આરોપો મૂકીને કેટલાક અપશબ્દોનો ઉપયોગ પણ કર્યો છે.

તમને જણાવી દઈએ કે, કે.ડી શેખાવતે તથ્ય પટેલના સમર્થનમાં બનાવેલ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા પછી આ યુવકની તપાસ હાથ ધરતા જાણવા મળ્યું કે આ યુવક ખુદ રેસિંગનો શોખીન છે. તેની ઇન્સ્ટાગ્રામ આઈડી તપાસતા અનેક વીડિયો મળી આવ્યા મેં જેમા આ નબીરો પણ સ્પીડમાં ગાડી ચલાવતો દેખાઈ રહ્યો છે. ત્યારે હવે સૌથી મોટો સવાલ એ થાય છે કે શું 9 લોકોની મોતના જવાબદાર તથ્ય પટેલને સમર્થન આપનાર, પોલીસને સલાહ આપનાર, અને મીડિયાને અપશબ્દો કહેનાર આ રફતારના રાજા એવા કે.ડી. શેખાવત નામના આ નબીરા વિરુદ્ધ પોલોસ કોઈ કાર્યવાહી ક્યારે કરશે?