healthIndiaNews

વધુ એક ખતરો? કેરળમાં નિપાહ વાયરસનું નવું વેરીએન્ટ મળ્યું, મૃત્યુદર વધુ

કેરળમાં નિપાહ વાયરસે ફરી એકવાર તબાહી મચાવી દીધી છે. રાજ્યમાં નિપાહ વાયરસના વધતા જતા કેસોને જોતા ગુરુવારે તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવામાં આવી છે. કોઝિકોડમાં વાયરસને કારણે બે લોકોના મોત થયા છે. જ્યારે 9 વર્ષનો બાળક ICUમાં દાખલ છે. રાજ્યના આરોગ્ય વિભાગની મદદ માટે સેન્ટ્રલ નિપાહ વાયરસ મેનેજમેન્ટ ટીમ પણ કોઝિકોડ પહોંચી ગઈ છે.

કોઝિકોડ મેડિકલ કોલેજની એક ટીમ બુધવારે અહીં નિપાહ વાયરસના ફેલાવા અથવા પહોંચવા પાછળના કારણોની તપાસ કરવા મારુથોંકારા ગામ પહોંચી હતી. અહીં ગામમાંથી સોપારી અને જામફળના નમૂના લેવામાં આવ્યા હતા. આ સોપારી અને જામફળ બાંગ્લાદેશથી અહીં આયાત કરવામાં આવ્યા છે. તપાસમાં જાણવા મળ્યું છે કે માત્ર બાંગ્લાદેશ વેરિઅન્ટ રાજ્યમાં પહોંચ્યું છે. કેરળના સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે કહ્યું કે નિપાહ વાયરસનો આ પ્રકાર બાંગ્લાદેશી છે. તે મનુષ્યથી મનુષ્યમાં ફેલાય છે અને તેમાં મૃત્યુદર ઊંચો છે પરંતુ તે ઓછો ચેપી છે.

કોઝિકોડમાં નિપાહ વાયરસના કારણે બે લોકોના મોતની પુષ્ટિ થઈ છે. બંને લોકોને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. એક ન્યૂઝ એજન્સી અનુસાર, પહેલું મોત 30 ઓગસ્ટના રોજ થયું હતું અને બીજું મૃત્યુ સોમવાર, 11 સપ્ટેમ્બરના રોજ થયું હતું. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે તપાસ રિપોર્ટના આધારે બંને મૃત્યુમાં નિપાહ વાયરસની પુષ્ટિ કરી છે.

સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે કેરળમાં એક કેન્દ્રીય ટીમ મોકલવામાં આવી છે જે પરિસ્થિતિનો તાગ મેળવવા અને નિપાહ વાયરસ મેનેજમેન્ટમાં રાજ્ય સરકારને મદદ કરશે. ટીમ ગુરુવારે કોઝિકોડ પહોંચી ગઈ છે. નિપાહ વાયરસનો સામનો કરવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર એકબીજાને મદદ કરવા માટે સાથે મળીને કામ કરશે.