કોરોના ના કેસ જોતા વડાપ્રધાને દેશમાં નિયમો કડક કર્યા અને પોતાના લગ્ન પણ કેન્સલ કર્યા, કહ્યું કે હું અલગ નથી
ન્યુઝીલેન્ડના વડા પ્રધાન જેસિન્ડા આર્ડર્ને કોરોના સંક્રમણને કારણે દેશમાં લાદવામાં આવેલા પ્રતિબંધોને કારણે તેમના જીવનનો મોટો નિર્ણય લીધો છે. હા…તેઓએ તેમના લગ્ન રદ કર્યા છે. ખુદ વડાપ્રધાન જેસિંડાએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આની જાહેરાત કરી હતી.ન્યુઝીલેન્ડમાં લગ્ન સમારોહમાં હાજરી આપવા માટે ઓકલેન્ડ ગયેલા એક જ પરિવારના નવ લોકો કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત જણાયા બાદ નવા કોવિડ-19 નિયંત્રણો લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
દેશના વડાપ્રધાન જેસિન્ડા આર્ડર્ને રવિવારે આ જાહેરાત કરી હતી. ન્યુઝીલેન્ડમાં કોવિડ-19ના ફેલાવાને રોકવા માટે રંગ-આધારિત નીતિના ભાગ રૂપે “રેડ સેટિંગ” સોમવારથી અમલમાં આવશે, જેમાં માસ્ક પહેરવાની જરૂરિયાત અને સભામાં લોકોની સંખ્યા મર્યાદિત કરવા જેવા પગલાંનો સમાવેશ થાય છે. વડા પ્રધાન જેસિન્ડા આર્ડર્ને ભારપૂર્વક જણાવ્યું હતું કે “રેડ સેટિંગ નો અર્થ લોકડાઉન નથી”.
તેમણે કહ્યું કે વ્યવસાયો ખુલ્લા રહી શકે છે અને લોકોને તેમના મિત્રો અને પરિવાર સાથે ભળી જવાની અને દેશભરમાં ફરવાની સ્વતંત્રતા હશે. આર્ડર્ને વેલિંગ્ટનમાં પત્રકારોને જણાવ્યું હતું કે અમારી યોજના ડેલ્ટા સ્વરૂપની જેમ પ્રારંભિક તબક્કે ઓમિક્રોનના ચેપને રોકવાની છે, જેમાં અમે ઝડપથી પરીક્ષણ કરીશું, સંપર્કમાં રહેલા લોકોને શોધીશું, તેમને અલગ પાડીશું જેથી કોરોનાનું નવું સ્વરૂપ ઓમિક્રોન છે તેનો પ્રસાર રોકી શકીએ.
તમને જણાવી દઈએ કે ન્યુઝીલેન્ડ એવા કેટલાક દેશોમાં સામેલ છે જ્યાં કોરોના સંક્રમણના નવા પ્રકાર ઓમિક્રોનએ રોગચાળાનું સ્વરૂપ લીધું નથી, પરંતુ આર્ડર્ને સ્વીકાર્યું કે આ સ્વરૂપ વધુ ચેપી હોવાને કારણે ફેલાવાને રોકવું મુશ્કેલ છે. ન્યુઝીલેન્ડ કોરોના વાયરસને લઈને પહેલેથી જ ખુબ સાવધ છે.