રાજકોટમાં અન્નત્યાગ પર બેઠેલા પદ્મિનીબાએ પુરુશોત્તમ રૂપાલાને રાક્ષસ કહ્યા…
રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પુરુશોત્તમ રૂપાલા દ્વારા રાજપૂત સમાજને લઈને કરવામાં આવેલ વિવાદિત નિવેદન બાદ તેમનો રાજપૂત સમાજ દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેની સાથે ગુજરાતભરમાં ક્ષત્રિય સમાજ દ્વારા બેઠકો યોજી રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરવામાં આવી રહી છે. જ્યારે આ મામલામાં આજે ગુજરાત મહિલા કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ પદ્મિની બા વાળા દ્વારા પુરુશોત્તમ રૂપાલા ની ટિકિટ રદ ની માંગણી સાથે અન્ન ત્યાગ કરી આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. જ્યારે આ આંદોલનનો આજે બીજો દિવસ રહેલ છે.
રાજકોટમાં રેલનગરમાં સ્થિત ક્ષત્રિય સમાજની વાડી ખાતે રાજપૂત કરણીસેના પ્રદેશ મહિલા અધ્યક્ષ પદ્મિનીબા વાળા અન્નત્યાગ પર બેઠેલા છે. એવામાં તેમના દ્વારા પુરુષોત્તમ રૂપાલાને રાક્ષસ કહેવામાં આવ્યા છે. તેમના દ્વારા નામી ચેનલથી વાતચીત કરતા જણાવ્યું છે કે, રૂપાલાભાઈની ટિકિટ રદ કરવામાં આવશે નહીં ત્યાં સુધી હું અન્નત્યાગ પર રહીશ. જરૂરીયાત પડશે તો જૌહર કરીશ. મને અન્ય બહેનો અને દીકરીઓના ફોન આવે છે કે, તમારે એકે જૌહર કરવાનું નથી, આ બધી બહેન-દીકરીઓનો પ્રશ્ન રહેલા છે. આપણે બધા સાથે જૌહર કરીશું, અમે બધી બહેનો જૌહર પર ઊતરી જઈશું તો કમલમમાં જગ્યા ખૂટી પડશે. ક્ષત્રિય સમાજના રાજકીય આગેવાનો પણ અમારી સાથે રહેલા છે.
તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, રૂપાલા ભાઈનો મેં ઘરે ઘરે જઈને પ્રચાર કર્યો છે, મારે કોઈ દુશ્મની તેમના નથી. પરંતુ રૂપાલાભાઈ દ્વારા બફાટ કરવામાં આવી ત્યાર પછી અમે તેના વિરોધીઓ થઈ ગયા છીએ. રૂપાલાભાઈના નિવેદનથી મને આંચકો લાગ્યો કે, બાપ રે… આવાની આગેવાની અપાઈ. આ અંદરખાને શું કરતા હોય નહીં. ભાજપથી એવી માંગ કરું છું કે, એવા વ્યક્તિ લાવો જેમાં સ્ત્રીઓની પણ સુરક્ષા જળવાઈ. ભાજીમૂળા થોડા છે કે, મનફાવે તેવું બોલી દેવાઈ. એવું જ્ઞાન હોવું જરૂરી છે કે, આપણે શું બોલવું જોઈએ. બફાટ કર્યો છે તેનું આજે શું પરિણામ તમે જોઈ શકો છો. કોઈ પણ વ્યક્તિ બફાટ કરીને જતી રહે અને તેને શીખ મળે એટલે માફી તો નથી.
તેની સાથે રૂપાલાની તરફેણમાં પાટીદાર સમાજની બેઠક અંગે તેમને જણાવ્યું કે, પાટીદાર સમાજ સંમેલન કરી રહ્યું છે તો તેમની મેટર છે, અમે ના પાડી શકીએ નહીં. પરંતુ એક રાક્ષસનો સપોર્ટ કરવો તે સારું નથી. સારી વ્યક્તિને સપોર્ટ કરવો જરૂરી છે. રાક્ષસ દ્વારા કદી સારી વાત કરવામાં આવી નથી.