ડાંગમાં પિકઅપ વાન પલટી, 2નાં મોત.10 લોકોને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયા
ડાંગ જિલ્લાના સોનગઢથી આહવા જોડતા નેશનલ હાઈવે નંબર-953 પર શનિવારે બપોરે ગંભીર માર્ગ અકસ્માત સર્જાતા બે લોકોના મોત અને દસ લોકો ઇજાગ્રસ્ત થતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મહાલ અને બરડીપાડા વચ્ચે આવેલા જોખમી વળાંક પર પિકઅપ વાહન પલટી જતા આ કરૂણ ઘટના બની હતી.
પ્રાપ્ત માહિતી મુજબ પશ્ચિમ બંગાળ પાસિંગ નંબર WB-83-2654 ધરાવતી પિકઅપ ગાડી સોનગઢ તરફથી આહવા જતી હતી. મહાલથી લશ્કર્યા વચ્ચેના સાંકડા અને જોખમી માર્ગ પર પહોંચતાં ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે ગાડી અચાનક પલટી મારી ગઈ. અકસ્માત સમયે વાહનમાં અંદાજે 12 લોકો સવાર હતા. ટક્કર એટલી ગંભીર હતી કે બે વ્યક્તિઓએ ઘટનાસ્થળે જ પ્રાણ ગુમાવ્યા હતા.
અકસાન બાદ વાહનમાં સવાર કેટલાક લોકો ગાડી નીચે દબાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા અને 108 એમ્બ્યુલન્સ સેવા તથા પોલીસને જાણ કરવામાં આવી. રાહત કામગીરી દરમિયાન ઇજાગ્રસ્તોને બહાર કાઢીને તાત્કાલિક આહવા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
સુબીર પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. આ બનાવને ધ્યાનમાં રાખીને પોલીસ અને સ્થાનિક વહીવટી તંત્રે ડાંગ જિલ્લાના ઘાટ માર્ગો પર મુસાફરી કરતી વખતે વાહનચાલકોને ધીમી ગતિ અને સાવચેતી સાથે ડ્રાઇવિંગ કરવાની અપીલ કરી છે.