International

PM મોદીએ ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુ સાથે ફોન પર વાત કરી, જાણો શું કહ્યું?

પીએમ મોદીએ કહ્યું કે પીએમ નેતન્યાહુએ મને ઈઝરાયેલની તાજેતરની સ્થિતિ વિશે જાણકારી આપી, હું આ માટે આભાર વ્યક્ત કરું છું. પીએમ મોદીએ કહ્યું કે, ‘ભારતના લોકો આ મુશ્કેલ સમયમાં ઇઝરાયલની સાથે મજબૂતીથી ઉભા છે. ભારત આતંકવાદને તેના તમામ સ્વરૂપોમાં સખત અને સ્પષ્ટપણે વખોડે છે.

અગાઉ જ્યારે હમાસે ઈઝરાયેલ પર આકરા હુમલા કર્યા હતા. ત્યારબાદ ભારતે આ હુમલા અંગે પોતાની પ્રતિક્રિયા આપી હતી. પીએમ મોદીએ કહ્યું હતું કે તેઓ આ મુશ્કેલ સમયમાં ઇઝરાયલની સાથે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે તેઓ ઇઝરાયેલમાં આતંકવાદી હુમલાના સમાચારથી ચોંકી ગયા છે. તેમણે કહ્યું કે તેમના વિચારો અને પ્રાર્થના પીડિતો અને તેમના પરિવારો સાથે છે.

ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં પીડિત સામાન્ય લોકોની મદદ કરવા માટે માનવ અધિકાર જૂથો સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. તે જ સમયે, તેઓ સહાય કામગીરી હાથ ધરતી વખતે તેમની સુરક્ષા વિશે પણ ચિંતિત છે. ગાઝાની વધેલી નાકાબંધીએ તેમના પ્રયાસોને વધુ મુશ્કેલ બનાવ્યા છે. ગાઝા પર શાસન કરતા ઉગ્રવાદી જૂથ હમાસે શનિવારે ઈઝરાયેલ પર અચાનક અને ઘાતક હુમલો કર્યો હતો, જેના પગલે ઈઝરાયેલે ગાઝામાં હવાઈ હુમલા કર્યા હતા અને ગાઝામાં ખોરાક, ઈંધણ અને અન્ય સામાનનો પુરવઠો અટકાવી દીધો હતો.

આ દરમિયાન ઈઝરાયેલ ગાઝા પટ્ટી પર સતત હુમલા કરી રહ્યું છે. ઈઝરાયેલે કહ્યું છે કે ગાઝાની સંસદ અને સિવિલ મિનિસ્ટ્રી ઈઝરાયલનું નિશાન હશે. પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથ હમાસ પર હુમલો કરતી વખતે, સેનાએ 10 ઓક્ટોબર, મંગળવારે જાહેરાત કરી છે કે તેમનું મુખ્ય લક્ષ્ય હવે ગાઝાની સંસદ અને નાગરિક મંત્રાલય છે. ઈઝરાયેલની સેનાએ કહ્યું છે કે તેમના હુમલામાં લગભગ 1500 હમાસ આતંકવાદીઓ માર્યા ગયા છે. ઈઝરાયેલ દ્વારા ગાઝા પર સતત બોમ્બમારો કરવામાં આવી રહ્યો છે. આતંકવાદી હુમલા બાદ જવાબી કાર્યવાહીમાં ઈઝરાયેલ દ્વારા ગાઝા પર બોમ્બમારો વધુ તીવ્ર બન્યો છે.