GujaratSouth GujaratSurat

બિલ્ડર તુષાર ઘેલાણીને મહિલામિત્ર એ મરવા મજબૂર કર્યા હતા

સુરતના જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણીના આપઘાત કેસમાં ઉમરા પોલીસે મહત્વની કાર્યવાહી કરતા તેમની મહિલા મિત્ર પૂનમ ભાદોરિયાની આત્મહત્યાની દુષ્પ્રેરણા ના ગુનામાં ધરપકડ કરી છે. તુષાર ઘેલાણીના પરિવારજનો દ્વારા કરવામાં આવેલી અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે પૂનમ ભાદોરિયા લાંબા સમયથી બિલ્ડરને બ્લેકમેલ કરીને માનસિક દબાણમાં રાખતી હતી અને તેમની પાસેથી દુકાનો સહિત કેટલીક મિલકતો પોતાના નામે કરાવી લીધી હતી.

પરિવારના જણાવ્યા મુજબ, તુષાર ઘેલાણી પૂનમ ભાદોરિયાથી સંબંધ તોડવા માંગતા હતા, પરંતુ તે સતત તેમનો પીછો કરતી હતી. દીકરીના લગ્ન પ્રસંગ દરમિયાન હોબાળો મચાવવાની અને બદનામ કરવાની ધમકી આપતા બિલ્ડર ભારે તણાવમાં આવી ગયા હતા અને પ્રતિષ્ઠાને નુકસાન થવાના ડરે આકરા પગલાં ભર્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. જોકે, પૂનમ ભાદોરિયાએ પણ પોલીસ સમક્ષ અલગ અરજી કરીને બિલ્ડરના પરિવાર સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. બંને પક્ષોની વિગતવાર તપાસ બાદ પોલીસે પૂરતા પુરાવા મળતાં તેના વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે તુષાર ઘેલાણી અને પૂનમ ભાદોરિયાની ઓળખ વર્ષ 2010માં થઈ હતી, જ્યારે પૂનમ તેમની ઓફિસમાં રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરતી હતી. થોડા સમય બાદ સંપર્ક તૂટ્યો હતો, પરંતુ 2012-13 દરમિયાન ફરીથી બંને સંપર્કમાં આવ્યા અને ત્યારબાદ વ્યાવસાયિક ભાગીદારી શરૂ થઈ. શરૂઆતમાં તુષાર ઘેલાણીના બિલ્ડિંગમાં ‘બચપન’ સ્કૂલની ફ્રેન્ચાઈઝી ચલાવવામાં આવી હતી અને બાદમાં જોલી આર્કેડ વિસ્તારમાં ‘બ્લૂ પેપિલોન’ પ્રી-પ્રાઇમરી સ્કૂલ શરૂ કરવામાં આવી હતી.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે સ્કૂલના સંચાલનમાં પૂનમ ભાદોરિયાનો કોઈ સત્તાવાર આર્થિક હિસ્સો ન હોવા છતાં તેઓ મેનેજિંગ પાર્ટનર તરીકે કાર્યરત હતા અને નફામાં મોટો હિસ્સો મેળવેતા હતા. ઓગસ્ટ 2025માં આશરે ₹1.06 કરોડની કિંમતની જોલી આર્કેડની બે દુકાનો કોઈ બેંકિંગ ટ્રાન્ઝેક્શન વિના તેમના નામે ટ્રાન્સફર કરાઈ હોવાનું પણ સામે આવ્યું છે, જેને લઈને આર્થિક દબાણની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

પરિવારનો આરોપ છે કે પૂનમ ભાદોરિયા દ્વારા સતત માનસિક અને આર્થિક દબાણ સર્જાતા તુષાર ઘેલાણી ભારે તણાવમાં જીવતા હતા. એસીપી ઝેડ. આર. દેસાઈના જણાવ્યા મુજબ, તુષાર ઘેલાણીએ 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરીની મધરાત્રિ દરમિયાન પોતાની લાયસન્સવાળી સર્વિસ રિવોલ્વરથી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો અને 5 ફેબ્રુઆરીએ સારવાર દરમિયાન તેમનું અવસાન થયું હતું. 12 ફેબ્રુઆરીએ પરિવાર તરફથી સત્તાવાર રજૂઆત મળ્યા બાદ પોલીસે નજીકના સંબંધીઓ, પાડોશીઓ અને સહકર્મીઓની પૂછપરછ કરી હતી, જેમાં પૂનમ ભાદોરિયાનું નામ મુખ્ય સંદિગ્ધ તરીકે સામે આવ્યું છે.

હાલ પોલીસે મહિલાની અટકાયત કરીને વધુ તપાસ શરૂ કરી છે અને સમગ્ર મામલાના આર્થિક તેમજ માનસિક દબાણના પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે.