મહેસાણાના આ વિસ્તારને વિશ્વ-સ્તરીય પ્રવાસન સ્થળ બનાવવાની તૈયારીઓ શરૂ, જાણો કેવી હશે સુવિધાઓ
મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના ધરોઈ ડેમ વિસ્તારને વિશ્વ-સ્તરીય પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે તૈયારીઓ પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે હવે સમગ્ર વિશ્વમાં ગુજરાતનો વધુ એક જિલ્લો વિશ્વ-સ્તરીય પ્રવાસન સ્થળ તરીકે નામના મેળવશે.
આ માટે રાજ્ય સરકારે લીલી ઝંડી પણ બતાવી દીધી છે. અને તેના માટે સર્કિટ પણ તૈયાર કરી દીધી છે. આ અંગે મહેસાણાના ડીડીઓ ડો. હસરત જાસ્મીને જણાવ્યું હતું કે, ઉત્તર ગુજરાતને એક વિશાળ પ્રવાસન સર્કિટ તરીકે વિકસાવવાનું લાંબા ગાળાનું વિઝન છે. ધરોઈ તેનું કેન્દ્ર છે. પ્રકલ્પને બહેતર બનાવવા માટે જાહેર-ખાનગી ભાગીદારી (PPP) મોડલ પર વિચાર થઈ રહ્યો છે.
રાજ્ય સરકારે ધરોઈ ડેમને ટુરિસ્ટ હબ બનાવવાની કામગીરી હાથ ધરી છે. આ સમગ્ર પ્રોજેક્ટ ત્રણ તબક્કામાં હાથ ધરવામાં આવશે. આ પ્રોજેક્ટ દ્વારા અંબાજી વડનગર, તારંગા અને રાણકી વાવ જેવા અગ્રણી સ્થળોને 90 કિમીની ત્રિજ્યામાં આવરી લેવામાં આવશે. જેમાં વોટર એક્સપિરિયન્સ પાર્ક, વિઝિટર સેન્ટર, પંચતત્વ પાર્ક લેઝર શો, એડવેન્ચર વોટર સ્પોર્ટ્સ એરેના, રિવરએજ ડેવલપમેન્ટ, નાદબ્રહ્મ ઉપરાંત એમ્ફીથિયેટર લોકો માટે આક્રર્ષણનું કેન્દ્ર બનશે.
મહેસાણાના ડીડીઓ ડો. હસરત જાસ્મીને વધુમાં જણાવ્યું હતું કે, આ ટુરિસ્ટ હબ લાંબા ગાળે આવકનો મોટો સ્ત્રોત બની રહેશે. પ્રોજેકટને લઈને સ્થાનિકોનો પણ હકારાત્મક પ્રભાવ મળી રહ્યો છે. ગામના લોકો અહીં નોકરી મેળવી શકશે અને રોજગારી પણ મેળવી શકશે. આ એક મહાન પ્રોજેક્ટ છે.
અહીં પેરિફેરલ બિંદુઓની આસપાસ અંબાજી અને હાટકેશ્વર મંદિર જેવા યાત્રાધામો બનાવાશે. આ નવા ડેસ્ટીનેશનને લઈને પર્યટકો પણ ઉત્સાહિત હોવાનું સૂત્રો પરથી જાણવા મળી રહ્યું છે. જો કે આ પ્રોજેકટનું 80% જમીન સંપાદનનું કામ પૂર્ણ પણ થઈ ગયું છે. અને આ પ્રોજેક્ટ બે વર્ષમાં તેના અંતિમ તબક્કામાં પહોંચવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે.