પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પહેલીવાર સંસદમાં આ મુદ્દે વિગતવાર નિવેદન આપ્યું હતું. લોકસભામાં લગભગ 25 મિનિટના સંબોધનમાં તેમણે જણાવ્યું કે, “હું આ ગૃહમાં પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ અને તેની ભારત પર થતી અસર અંગે ચર્ચા કરવા આવ્યો છું. હાલની પરિસ્થિતિ ચિંતાજનક છે અને આ તણાવનો અંત આવવો જરૂરી છે. વાતચીત જ એકમાત્ર ઉકેલ છે.”
પીએમ મોદીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે નાગરિક વિસ્તારો અને પાવર પ્લાન્ટ પર થતા હુમલા સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. સાથે જ હોર્મુઝ સ્ટ્રેટને બંધ કરવાની કોઈ પણ કોશિશ પણ સ્વીકાર્ય નથી.
તેમણે કહ્યું કે સરકાર દેશને તેલ અને ગેસ સંકટથી બચાવવા માટે સતત પ્રયત્નશીલ છે. “અગાઉ જ્યાં અમે 27 દેશોમાંથી આયાત કરતા હતા, ત્યાં હવે 41 દેશોમાંથી આયાત કરીને સપ્લાય ચેઈન મજબૂત બનાવી છે,” એમ તેમણે ઉમેર્યું. પશ્ચિમ એશિયામાં વસતા અંદાજે એક કરોડ ભારતીયોની સુરક્ષા ભારત સરકાર માટે સર્વોચ્ચ પ્રાથમિકતા હોવાનું પણ તેમણે જણાવ્યું.
પ્રધાનમંત્રીએ માહિતી આપી કે અત્યાર સુધીમાં 3.75 લાખથી વધુ ભારતીયોને સુરક્ષિત રીતે વતન પરત લાવવામાં આવ્યા છે. માત્ર ઈરાનમાંથી જ હજારો લોકો પરત આવ્યા છે, જેમાં 700થી વધુ મેડિકલ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.
પીએમ મોદીએ ચેતવણી આપી કે ઈરાન-ઈઝરાયલ તણાવની અસર લાંબા ગાળે રહી શકે છે, તેથી દેશે કોરોના જેવી પરિસ્થિતિ માટે તૈયાર રહેવું પડશે. સાથે જ ભારત પોતાની ઊર્જા જરૂરિયાતોને પહોંચી વળવા માટે વિકલ્પો પર પણ કામ કરી રહ્યું છે.
અંતમાં તેમણે કહ્યું કે પશ્ચિમ એશિયામાં મોટી સંખ્યામાં ભારતીયો રહે છે અને ઘણા જહાજોમાં ભારતીય ક્રૂ સભ્યો પણ કાર્યરત છે, તેથી ચિંતા સ્વાભાવિક છે. “યુદ્ધ શરૂ થયા પછીથી અસરગ્રસ્ત દેશોમાં દરેક ભારતીયને મદદ પહોંચાડવામાં આવી રહી છે. મેં વ્યક્તિગત રીતે નેતાઓ સાથે વાત કરી છે અને સૌએ ભારતીયોની સુરક્ષા અંગે ખાતરી આપી છે,” એમ તેમણે જણાવ્યું.