આ દેશના રાષ્ટ્રપતિએ ધમકી આપી, જે લોકો લોકડાઉન તોડે એને ગોળી મારી દો
કોરોનાનો કહેર એટલો વધી ગયો છે કે દુનિયામાં અનેક નવા નવા નિર્ણયો લેવાઈ રહયા છે. આવામાં એક દેશના રાષ્ટ્રપતિએ મોટું નિવેદન આપ્યું છે. આમાં રાષ્ટ્રપતિએ કહ્યું છે કે જે લોકો કોરોના વાયરસ માટે લાદવામાં આવેલા લોકડાઉનનું પાલન કરતા નથી, તેમને ગોળી મારી દો. ઉલ્લેખનીય છે કે દુનિયામાં કોરોના વાયરસના ભયને પગલે અનેક દેશ લોકડાઉન કરવામાં આવ્યા છે છતાં લોકો જેમતેમ ફરી રહ્યા છે.
આ દેશ ફિલિપાઇન્સ છે. તેના રાષ્ટ્રપતિ રોડ્રિગોએ તેમની સરકાર, પોલીસ અને વહીવટી તંત્રને કહ્યું છે કે જે કોઈ પણ કોરોના વાયરસ માટે લાદવામાં આવેલા લોકડાઉનનું પાલન કરે નહિ અને અડચણ ઉભી કરે તો તાત્કાલિક ગોળી મારી દો.
રોડ્રિગોએ તેમના દેશના સુરક્ષા દળોને કહ્યું કે આ આખા દેશ માટે ચેતવણી છે. આ સમયે સરકારના આદેશોનું પાલન કરો. કોઈપણ આરોગ્ય કાર્યકર, ડોક્ટરને નુકસાન ન પહોંચાડો. આ ગંભીર ગુનો હશે. તેથી હું પોલીસ અને સુરક્ષાદળોને આદેશ આપું છું કે, જેઓ લોકડાઉનમાં સમસ્યા ઉભી કરે છે તેમને તાત્કાલિક ગોળી ચલાવવામાં આવે.
આ પહેલીવાર નથી જ્યારે રોડ્રિગો ડ્યુર્ટે પોતાના દેશવાસીઓને ગોળી ચલાવવાનો આદેશ આપ્યો છે. 2016-17ના શરૂઆતમાં પણ રાષ્ટ્રપતિએ ડ્રગ ડીલરોને કોઈપણ કાયદાકીય કાર્યવાહી કર્યા વિના મારવા આદેશ આપ્યો હતો. જણાવી દઈએ કે હાલમાં ફિલિપાઇન્સમાં 2311 થી વધુ કોરોના વાયરસથી ચેપ ના કેસ છે. 96 લોકોનાં મોત નીપજ્યાં છે.
ખુદ રાષ્ટ્રપતિએ પણ કોરોના નો ટેસ્ટ કરાવ્યો હતો પણ નેગેટીવી આવ્યો હતો. બાદમાં તેઓ સાવચેતી રૂપે આઇસોલેશનમાં ગયા હતા. આ સિવાય ફિલિપાઇન્સની સંસદ અને સેન્ટ્રલ બેન્ક પણ ક્વોરેન્ટેડ હતી. રાષ્ટ્રપતિના પ્રવક્તા સાલ્વાડોર પાનેલોએ જણાવ્યું હતું કે અમારા આરોગ્ય અધિકારીઓની સલાહ પર આ બધા પગલા લેવામાં આવી રહ્યા છે. (ફોટો: રોઇટર્સ)