ફરી બે દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી
હવામાન વિભાગે રાજ્યમાં આગામી દિવસોમાં કમોસમી વરસાદ (Unseasonal Rain) ની શક્યતા વ્યક્ત કરી છે. ખાસ કરીને 29 અને 30 માર્ચે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભર ઉનાળામાં માવઠાની સ્થિતિ સર્જાઈ શકે છે, જેમાં ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ અને મહીસાગર જિલ્લામાં પણ આ બે દિવસ દરમિયાન વરસાદ પડવાની શક્યતા છે.
આ સમયગાળા દરમિયાન પવનની ગતિ 30 થી 40 કિમી પ્રતિ કલાક સુધી રહી શકે છે. હવામાનમાં આ ફેરફાર પાછળ બે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને એક સક્રિય Western Disturbance જવાબદાર હોવાનું જણાવાયું છે, જે સમગ્ર ગુજરાત પર અસર કરશે.
હવામાન વિભાગ અનુસાર, આગામી 7 દિવસ સુધી તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળવાનો નથી. દરિયાકાંઠા વિસ્તારોમાં ઉત્તર-પશ્ચિમથી ઉત્તર દિશામાં પવન ફૂંકાશે. માછીમારોને ખાસ ચેતવણી આપવામાં આવી છે કે 28 અને 29 માર્ચે દરિયો ન ખેડવો.
તાપમાનની વાત કરીએ તો અમરેલીમાં સૌથી વધુ 38.5°C નોંધાયું છે, જ્યારે રાજકોટમાં 38°C, અમદાવાદમાં 37°C અને ગાંધીનગરમાં 36.5°C તાપમાન નોંધાયું છે. સૌથી ઓછું લઘુત્તમ તાપમાન કંડલામાં 18.6°C નોંધાયું છે.