GujaratCrimeRajkotSaurashtra

રીબડા અમિત ખૂંટ આપઘાત કેસમાં રાજદીપસિંહ જાડેજાના જામીન મંજૂર

Rajdeepsinh Jadeja's bail granted

ગોંડલના ચર્ચિત અમિત ખૂંટ આપઘાત કેસમાં મુખ્ય આરોપી રાજદીપસિંહ જાડેજાને ગોંડલ કોર્ટ તરફથી જામીન મંજૂર કરવામાં આવ્યા છે. આ આદેશ બાદ રાજદીપસિંહ લગભગ 84 દિવસના જેલવાસ પછી બહાર આવશે.

રીબડા વિસ્તારના અમિત ખૂંટ આપઘાત પ્રકરણમાં રાજદીપસિંહ જાડેજા લાંબા સમયથી કાયદાની પકડથી દૂર રહ્યા હતા. ગુનો નોંધાયા બાદ તેઓ અંદાજે છ મહિના સુધી ફરાર રહ્યા હતા. આ દરમિયાન તેમણે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજીઓ કરી હતી, પરંતુ ક્યાંયથી રાહત ન મળતા અંતે 10 નવેમ્બર, 2025ના રોજ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં સ્વેચ્છાએ આત્મસમર્પણ કર્યું હતું.

આત્મસમર્પણ બાદ પોલીસ રિમાન્ડ પૂર્ણ થતાં 13 નવેમ્બરના રોજ તેમને જૂનાગઢ જેલમાં મોકલવામાં આવ્યા હતા. બાદમાં ગોંડલની એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ કોર્ટના જજ એચ.એ. ત્રિવેદી સમક્ષ જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફરિયાદ પક્ષે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક કરી હતી, જ્યારે બચાવ પક્ષે મજબૂત કાનૂની દલીલો રજૂ કરી હતી.

પોલીસ તપાસના દસ્તાવેજો, ઉપલબ્ધ પુરાવાઓ અને બંને પક્ષોની દલીલોનું વિશ્લેષણ કર્યા બાદ કોર્ટે બચાવ પક્ષની દલીલોને માન્ય રાખી રાજદીપસિંહ જાડેજાને જામીન પર મુક્ત કરવાનો હુકમ આપ્યો છે. આ નિર્ણયથી લાંબા સમયથી ચર્ચામાં રહેલા આ કેસમાં આરોપીને મોટી રાહત મળી છે.

કોર્ટે આરોપીને કડક શરતો સાથે જામીન આપ્યા છે. આ મુજબ, આરોપી કોઈપણ પુરાવા સાથે છેડછાડ નહીં કરે અને સાક્ષીઓને ડરાવશે કે લલચાવશે નહીં. જામીન પર મુક્ત થયા બાદ 1 એપ્રિલ, 2026 સુધી તેઓ રાજકોટ જિલ્લાની હદ છોડશે નહીં. ત્યારબાદ પણ કેસ પૂર્ણ ન થાય ત્યાં સુધી કોર્ટની પૂર્વ પરવાનગી વિના ગુજરાત રાજ્ય બહાર જવા પર પ્રતિબંધ રહેશે.

કોર્ટના આદેશ મુજબ, જો આરોપી પાસે પાસપોર્ટ હશે તો તે 7 દિવસની અંદર કોર્ટમાં જમા કરાવવો પડશે. જો પાસપોર્ટ ન હોય તો તે અંગેનું સોગંદનામું રજૂ કરવું પડશે. ટ્રાયલ દરમિયાન આરોપીએ નિયમિત હાજરી આપવી પડશે તેમજ પોતાના રહેઠાણ અને મોબાઈલ નંબરની વિગતો લેખિત સોગંદનામા દ્વારા કોર્ટ અને તપાસ અધિકારીને આપવાની રહેશે. ઉપરાંત, જામીન દરમિયાન કોઈપણ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાવા પર કડક કાર્યવાહી કરવામાં આવશે.