GujaratRajkotSaurashtra

રાજકોટ પોલીસ કમિશ્નર કમિશન કાંડને લઈને રાજ્ય પોલીસ વડા એક્શનમાં

રાજકોટમાં ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલ દ્વારા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સામે કટકીકાંડનો લેટર બોમ્બ ફોડ્યા પછી સમગ્ર પોલીસ ખાતામાં ચકચાર મચી ગઈ હતી. અને ત્યારબાદ એક પછી એક ફરિયાદીઓએ પોલીસ દ્વારા કરવામાં આવતી કટકીકાંડની પોલ ખોલી હતી. ત્યારે હવે આ બાબતને રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ ખુબ જ ગંભીરતાપૂર્વક લીધી છે. રાજ્ય પોલીસ વડા દ્વારા આ મામલે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ તેમજ એસઓજીના બધાજ પીએસઆઈનું ટ્રાન્સફર કરી દેવામાં આવ્યું છે. અને અસંવેદનશીલ વિસ્તારોમાં આ બધાજ પીએસઆઈની બદલી કરી દેવામાં આવી છે.

આ ઉપરાંત રાજ્ય પોલીસ વડા દ્વારા તાત્કાલિક અસરથી તમામ પીએસઆઈને છૂટા કરવાના આદેશ પણ કરવામાં આવ્યા છે. જે પીએસઆઈનું ટ્રાન્સફર કરવામાં આવ્યું છે તેમાં પીએસઆઈ એમ.એમ.ઝાલા, પીએસઆઈ જાડેજા, પીએસઆઈ જેબલિયા અને પીએસઆઈ એમ.બી.રબારી તેમજ એસઓજીના પીએસઆઈ પંડ્યા અને પીએસઆઈ અંસારીનો સમાવેશ પણ થાય છે. અને પ્રાથમિક માહિતી અનુસાર બધાજ આઠ પીએસઆઈનું ટ્રાન્સફર રાજકોટની બહાર કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલે કરેલ લેટરબોમ્બ બાદ એક પછી એક ફરિયાદીઓ સામે આવી રહ્યા છે. અને દરેક ફરિયાદના પોલીસકર્મી અથવા પીએસઆઈની સંડોવણી સામે આવી રહી હતી. ત્યારે રાજ્ય પોલીસ વડા દ્વારા ક્રાઈમ બ્રાન્ચનું પણ વિસ્તરણ કરવામાં આવ્યું છે. અને હવે ક્રાઈમ બ્રાન્ચમાં તેમના સ્થાને નવા પીએસઆઈને સામેલ કરવામાં આવશે. અને પીએસઆઈની બદલીઓ કર્યા બાદ હવે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ તેમજ એસઓજીમાં પણ વધુ બદલીઓ કરવામાં આવે તો કઈ નવાઈ નહીં. રાજ્ય પોલીસ વડા દ્વારા આ મામલે આગામી સમયમાં હજુ પણ વધુ આકરી કાર્યવાહી કરવામાં આવી શકે છે.

તમને જણાવી દઈએ કે, 5 ફેબ્રુઆરીના રોજ રાજકોટના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલે લેટર બોમ્બ ફોડીને રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા કમિશનબાજી કરતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. જેમાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે એક વેપારીને તેના ફસાયેલાં 15 કરોડ રૂપિયા પરત અપાવવા માટે 75 લાખ જેટલા રૂપિયાનું કમિશન લીધું હોવાનો દાવો કરાયો હતો.

જો કે, ધારાસભ્યના લેટર બોમ્બ વાળ એક પછી એક તમામ ફરિયાદીઓએ સામે આવીને રાજકોટ પોલીસ દ્વારા કરવામાં આવતા કમિશનકાંડના ચોંકાવનારા આક્ષેપો કરવામાં આવ્યા હતા. જેમાં પોલીસે કમિશન તેમજ પૈસા માટે તમામ પ્રકારની હદ વટાવી દીધી હોવાનો આરોપ પણ ફરિયાદીઓએ લગાવ્યો હતો. અમુક ફરિયાદીઓએ પોલિસ પર એવો પણ આક્ષેપ કર્યો હતો કે રૂપિયા માટે પોલીસ દ્વારા તેઓને ઢોર માર પણ મારવામાં આવ્યો હતો.