BjpGujaratPoliticsRajkotSaurashtra

રાજકોટના પોલીસ કમિશનરના “વસુલી” કાંડમાં વિજય રૂપાણી કનેક્શન…

ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલે રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ પર 75 લાખ રુપિયાની વસૂલીનો આરોપ લગાવ્યા બાદ સર્જાયેલા વિવાદમાં હવે રાજ્યના વાહન વ્યવહાર મંત્રી અરવિંદ રૈયાણીએ પણ હવે ઝંપલાવ્યું છે. અરવિંદ રૈયાણીએ દાવો કર્યો છે કે અઠવાડિયા પહેલા આ મામલે તેમણે પોતે ગૃહ રાજ્યમંત્રીને રજૂઆત કરી હતી. આમ રાજકોટના પોલીસ કમિશનરના કમિશન કાંડમાં એક પછી એક ભાજપના નેતાઓ પોતાના નિવેદનો આપી રહ્યા છે.

આ પહેલા ભાજપના સાંસદ રામ મોકરિયા પણ રાજકોટના પોલીસ કમિશ્નર સામે લાગેલ આરોપને સમર્થન આપી ચૂક્યા છે. આ મામલે સૌ પહેલા ધારાસભ્ય ગોવિંદ પટેલે પત્ર લખીને ગૃહમંત્રી હર્ષ સંઘવીને પત્ર પગલાં ભરવા માટે માગ કરી હતી. બીજી બાજુ આ મામલે કોંગ્રેસ પાર્ટીએ પણ આજ રોજ જિલ્લા પંચાયત ચોક ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ત્યારે વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસના કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી હતી. જેને લઈને કોંગ્રેસના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે બબાલ પણ થઈ હતી.

જાણકારી અનુસાર, મનોજ અગ્રવાલે 75 લાખ રુપિયાની વસૂલી કરી હોવાના આક્ષેપને લઈને રાજ્ય સરકારે આ મામલાની તપાસ તાલિમ વિભાગના ડીજીપીને સોંપી છે. અને ત્રણ દિવસમાં આ રિપોર્ટ સોંપવા માટે જણાવાયું છે. અગાઉ એસીપી કક્ષાના અધિકારીને આ મામલાની અગાઉ સોંપવામાં આવી હતી. ત્યારે કમિશનર સ્તરના અધિકારીની તપાસ જુનિયર અધિકારી કઈ રીતે કરી શકે તેવા સવાલ ઉઠ્યા હતા. ત્યારબાદ ડીજીપી કક્ષાના અધિકારીને આ તપાસ સોંપાઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, મનોજ અગ્રવાલને પૂર્વ સીએમ વિજય રુપાણી સીએમના માનીતા માનવામાં આવે છે. વિજય રૂપાણી જયારે રાજ્યના સીએમ હતા ત્યારે મનોજ અગ્રવાલને રાજકોટના પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા હતા. હવે જયારે રુપાણી સીએમ નથી અને રાજ્યમાં નજીકના સમયમાં આઈપીએસ અધિકારીઓની બદલી થવાની અટકળો ચળકી રહી છે. ત્યારે વિજય રુપાણીના માનીતા મનોજ અગ્રવાલ પર વિરોધી જૂથના નેતાઓ દ્વારા આ પ્રકારના આક્ષેપ કરવામાં આવતા હોય તેવું લાગી રહ્યું છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ખુદ મનોજ અગ્રવાલ રજુઆત કરી ચુક્યા છે કે તેઓ ઉચ્ચ સ્તરે નેતાઓની આંતરિક રાજનીતિના ભોગ બન્યા છે. સૂત્રોએ જણાવ્યું છે કે, રુપાણી જયારે સીએમ હતા ત્યારે તેમના વિરોધી મનાતા જૂથના નેતાઓના કામ થતાં નહતા. અને આ મામલે પાર્ટીમાં ઉચ્ચ સ્તરે રજૂઆતો પણ કરાઈ હતી. ગોવિંદ પટેલના પત્રમાં જે આક્ષેપ કરવામાં આવ્યા છે તે પણ આઠ મહિના પહેલાનો મામલો છે. જેને લઈને ગૃમંત્રી હર્ષ સંઘવીને અઢી મહિના પહેલા રજૂઆત કરવામાં આવી હતી. વિજય રુપાણીની સીએમ પદ પરથી વિદાય બાદ સિનિયર આઈપીએસ અધિકારીઓની બદલીઓની તૈયારી પુરજોશમાં ચાલી રહી છે. ત્યારે મનોજ અગ્રવાલ પર આ પ્રકારના ગંભીર આક્ષેપો કરીને સ્કોર સેટલ કરવા માટેના પ્રયાસ થઈ રહ્યા હોવાની પણ ચર્ચા ચાલી રહી છે.