કોરોનાવાયરસ ની મહામારીમાં દર્દીઓની સારવાર કરતા ડોકટરો માટે PPE કીટ ખુબ જ જરૂરી હોય છે. બહારથી મંગાવવામાં આવતી PPE કીટ ખુબ જ મોંઘી આવતી હોવાથી હવે ભારતે પણ ઉત્પાદન શરુ કર્યું છે. મુકેશ અંબાણી ની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ એ ચીનથી ત્રણ ગણી સસ્તી અને સારી પર્સનલ પ્રોટેકટીવ ઇક્વિપમેન્ટ કીટ બનાવવાનું શરૂ કર્યું છે. આ કીટ આંતરરાષ્ટ્રીય ધોરણોને અનુરૂપ છે અને તે શ્રેષ્ઠ ગુણવત્તાની છે. કંપનીના સિલ્વાસા પ્લાન્ટમાં દરરોજ 1 લાખ પી.પી.ઇ કીટ બનાવવામાં આવી રહી છે.
પી.પી.ઇ કિટ્સ ડોકટરો, નર્સો અને આરોગ્ય કર્મચારીઓ તેમજ પોલીસ અને સેનિટેશન વર્કર્સ જેવા ફ્રન્ટ લાઇન કોરોના લડવૈયાઓને કોરોના વાયરસના ચેપથી સુરક્ષિત કરે છે. ચાઇનાથી આયાત કરવામાં આવતી પીપીઈ કીટ 2000 રૂપિયામાં આવે છે. રિલાયન્સનું એકમ આલોક ઇન્ડસ્ટ્રીઝ ફક્ત 650 રૂપિયામાં પી.પી.ઇ કીટ તૈયાર કરી રહ્યું છે. આ સિવાય રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ‘કોરોના ટેસ્ટિંગ કિટ’ના ક્ષેત્રમાં પણ સ્વદેશી તકનીક વિકસાવી છે.
કંપનીના વિવિધ પ્રોડક્શન સેન્ટરોમાં રોજ એક લાખથી વધુ પીપીઈ કીટ બનાવવામાં આવી રહી છે. જામનગરની દેશની સૌથી મોટી રિફાઇનરીએ આવા પેટ્રોકેમિકલ્સનું મોટાપાયે ઉત્પાદન શરૂ કર્યું, જેમાંથી પીપીઇ માટેનું કાપડ બને છે. આ કાપડનો ઉપયોગ કરીને આલોક ઇન્ડસ્ટ્રીઝમાં પી.પી.ઇ. કીટ બનાવવામાં આવી રહી છે.
આલોક ઇન્ડસ્ટ્રીઝને તાજેતરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ખરીદવામાં આવી છે. આલોક ઇન્ડસ્ટ્રીઝની તમામ સુવિધાઓનો ઉપયોગ હાલમાં પી.પી.ઇ. કીટ બનાવવામાં કરવામાં આવી રહ્યો છે. આલોક ઇન્ડસ્ટ્રીઝમાં 10 હજારથી વધુ લોકો ને રોજગારી પણ મળી છે.
સુત્રોએ જણાવ્યું હતું કે, ભવિષ્યમાં અહીંથી પીપીઇ કિટ્સની નિકાસ પણ કરી શકાશે. એપ્રિલના મધ્યમાં ફેક્ટરીમાં પી.પી.ઇ કીટનું ઉત્પાદન શરૂ થયું હતું. તે પછી અહીં ઉત્પાદનમાં ઝડપથી વધારો કરાયો હતો. હવે દેશની દૈનિક પીપીઇ કીટનો 20 ટકા હિસ્સો અહીં બનાવવામાં આવી રહ્યો છે. અન્ય પીપીઈ કિટ ઉત્પાદકોમાં જેસીટી ફગવળા, ગોકલદાસ એક્સપોર્ટ્સ અને આદિત્ય બિરલા શામેલ છે.