ગુજરાતમાં ભારે વરસાદથી નુકસાનગ્રસ્ત ખેડૂતો માટે રાહતના સમાચાર, સરકાર આપશે આટલા રૂપિયા
રાજ્યમાં ભારે વરસાદના કારણે જનજીવન પર વ્યાપક અસર થઈ છે. સમગ્ર ગુજરાત સહિત જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગ અનુસાર ગુજરાતમાં હજુ પણ બે ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદ પડશે. મુશળધાર વરસાદને કારણે ઠેરઠેર ડેમ અને નદી નાળા છલકાઈ ગયા છે.
ભારે વરસાદથી ખેડૂતો ના ખેતરો માં પાણી ફરી વળ્યાં છે. જેના કારણે મોટી સંખ્યામાં ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. જયારે કેટલાક ખેડૂતોના ઉભા પાક પણ નષ્ટ થઈ ગયા છે. આ ઉપરાંત કેટલાક ખેડૂતોના તો આખે આખા ખેતરો જ ધોવાઈ ગયા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જેના કારણે આવા ખેડૂતો માટે સરકાર દ્વારા રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે. અસરગ્રસ્ત ખેડૂતોને SDRFના નિયમો પ્રમાણે તેમજ નુકશાનની તીવ્રતાને ધ્યાને લઇ રાજ્ય ભંડોળમાંથી વધારાની ટોપ-અપ સહાય અપાશે.
સરકારે 350 કરોડ રૂપિયાની રકમનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે. SDRFના નિયમો પ્રમાણે 33 ટકાથી વધુ નુકશાન હોય તેવા આશરે 1.50 લાખથી વધુ ખેડૂતોને 2 હેક્ટરની મર્યાદામાં સહાય મળશે. કૃષિ રાહત પેકેજનો લાભ મેળવવા માટે તમે 30 ઓગસ્ટથી 30 નવેમ્બર સુધીમાં ડિજિટલ ગુજરાત પોર્ટલ પર અરજી કરી શકો છો. જેના માટે તમે આ સરળ રીતે અરજી કરી શકો છો.
અરજી કરવાની રીત:
અરજી કરવા માટે આ જરૂરી દસ્તાવેજો ની જરૂર પડશે. જેમાં તલાટીનો વાવેતરનો દાખલો અથવા ગામના નમુના નંબર 7-12, આધાર નંબર, ગામના નમૂના નંબર 8-અ, બેન્ક એકાઉન્ટ નંબર, આઈએફએસસી કોડ તથા નામ દર્શાવતી બેંક પાસબુકના પાનાની નકલ અને મોબાઈલ નંબર ની જરૂર પડશે.
સંયુક્ત ખાતાના કેસમાં સંયુક્ત ખાતેદારો પૈકી એક જ ખાતેદારને આ રાહતનો લાભ આપવામાં આવે તે અંગેનો અન્ય ખાતેદારોની સહી વાળો “ના- વાંધા અંગેનો સંમતિ પત્રક” આપવાનો રહેશે આ ઉપરાંત તેને સાધનિક વિગતો સાથે તાલુકા વિકાસ અધિકારીને સંબોધાયેલ નિયત નમુનામાં ડિજિટલ ગુજરાત પોર્ટલ પર વીસીઈ /વીએલઈ દ્વારા ઓનલાઈન જ અરજી કરવી પડશે.
જો કે આ અરજી કરવા માટે ખેડૂતોએ કોઈપણ પ્રકારનો ચાર્જ આપવાનો રહેશે નહીં. જો કે આ માટે તેમને ફક્ત ગ્રામ પંચાયત ખાતે નુકસાનગ્રસ્ત ખેડૂતની યાદીમાં તેમનું નામ શામેલ કરેલ હોવું અત્યંત જરૂરી છે. જેના વગર ખેડૂતોને આ લાભ મળી શકશે નહિ.
SDRFના નિયમો પ્રમાણે 33 ટકાથી વધુ નુકશાન હોય તેવા આશરે 1.50 લાખથી વધુ ખેડૂતોને 2 હેક્ટરની મર્યાદામાં સહાય મળશે. બિનપિયત ખેતી પાકોમાં 33 ટકા કે તેથી વધુ નુકસાન માટે SDRFના નોર્મ્સ મુજબ રૂ.8,500 તેમજ રાજ્ય બજેટ હેઠળ રૂ.2,500 સહાય મળી કુલ રૂ. 11,000 પ્રતિ હેક્ટર લેખે ખાતાદીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં સહાય આપવામાં આવશે.