GujaratSaurashtra

સુરેન્દ્રનગરમાં માર્ગ અકસ્માત: પાટડીમાં મજૂરોને લઈ જઈ રહેલ ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે ગંભીર ટક્કર

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીના અઢીયાણા ગામ પાસે મજૂરોને લઈ જતી ટ્રક ટ્રેક્ટર સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં ટ્રક ટ્રેક્ટરની ઉપર ચડી જતાં 2 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે ટ્રેક્ટરમાં મુસાફરી કરી રહેલા 15 જેટલા મજૂરોને ઈજા થઈ હતી. ઇજાગ્રસ્તોને લોહીલુહાણ હાલતમાં 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ધ્રાંગધ્રા-માલવણ હાઈવે મજૂરોની ચીસોથી ગુંજી ઉઠ્યો હતો.

પાટડી તાલુકાના માલવણ હાઈવે પર આવેલા અઢીયાણા ગામ પાસે ટ્રેક્ટર લઈને મજૂરો ખેતરે જઈ રહ્યા હતા ત્યારે એકાએક પૂરપાટ ઝડપે આવતી ટ્રકના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા ટ્રક-ટ્રેક્ટરની ગંભીર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં એક મજૂર અને એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.15 થી વધુ મજૂરો ઘાયલ થયા હતા. ધ્રાંગધ્રા-માલવણ હાઇવે ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે અથડાતા લોહીથી લથબથ થઇ ગયો હતો.

પાટડીનો માલવણ હાઇવે અઢીયાણા ગામ પાસે ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે અથડાતા જામ થઇ ગયો હતો. અકસ્માતની જાણ થતા બજાણા પીએસઆઈ ડી.જે.ઝાલા અને ગોવિંદ ભરવાડ સહિતનો પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને બચાવ કામગીરી શરૂ કરી હતી.