24 વર્ષથી ભાગતા ફરતા લૂંટના આરોપીને દ્વારકા ખંભાળિયા હાઇવે પર દબોચી લેવાયો
દેવભૂમિ ના દ્વારકા ઓખા હાઇવે ખાતે આશરે 24 વર્ષ પહેલા એક પેટ્રોલ પંપ પર થયેલ લૂંટના ગુનામાં ફરાર થયેલ ઇનામી આરોપીને દ્વારકા-ખંભાળિયા હાઇવે પર ઝડપી પાડવામાં આવ્યો છે. ત્યારે હાલ દ્વારકા પોલીસ દ્વારા તેની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, દેવભૂમિ દ્વારકામાં વર્ષોથી ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે ખાસ ઝુંબેશ ઉપાડી છે. જે અંતર્ગત આશરે 24 વર્ષ પહેલા દ્વારકા-ઓખા હાઇવે નજીક વરવાળા ખાતે આવેલ વી.એમ.બારાઈ પેટ્રોલ પંપ માં લૂંટની ઘટના બની હતી. આરોપીને ઝડપી પાડવા માટે પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી. ત્યારે આ લૂંટના કેસનો પોલીસે એકદમ ઝીણવટભર્યો અભ્યાસ કર્યો તેમજ અલગ અલગ જિલ્લાના ટેકનિકલ સાથે હ્યુમન સોર્સિસથી માહિતી ભેગી કરીને અનેક દિશામાં તપાસ હાથ ધરી હતી. જેમાં મળેલ માહિતીના આધારે પોલીસે પેટ્રોલ પંપ પર લૂંટ કરીને 24 વર્ષથી ભાગતા ફરતા લૂંટના આરોપીને રાલીયા ઉર્ફે રાડીયા ઉર્ફે રાકું ગુલીયા આમલીયાને ખંભાળીયા દ્વારકા હાઇવે રોડ ખાતે આવેલ ગંગા જમના હોટલ પાસેથી પોલીસે ઝડપી પાડ્યો હતો. અને તેની પૂછપરછ હાથ ધરી હતી.
પોલીસ પૂછપરછમાં આરોપીએ જણાવ્યું કે, તેણે અત્યાર સુધી ચોરી અને લૂંટના અનેક ગુનાઓને અંજામ આપ્યો છે. તમને જણાવી દઈએ કે, આ આરોપી પર 10 હજાર રૂપિયાની ઇનામ પણ રાખવામાં આવ્યું હતું. હાલ તો દ્વારકા પોલીસને આ આરોપી નો કબજો સોંપવામાં આવ્યો છે. ત્યારે દ્વારકા પોલીસે આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે.