રુપાલા વિવાદિત ટિપ્પણી કરીને વધુ ફસાયા, હવે ગોંડલમાં પણ..

ગુજરાતમાં પરશોત્તમ રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજનો ગુસ્સો ઓછો થવાનું નામ નથી લેતો. હવે અમુક પાટીદારોએ રૂપાલાને સમર્થન કરવાની વાત કરી છે. અનેક મિટિંગો થઈ રહી છે ત્યારે આજે પરશોત્તમ રૂપાલા દિલ્હીથી કેબિનેટ મિટિંગ પતાવીને અમદાવાદ એરપોર્ટ પર આવ્યા હતા અને તેમણે કહ્યું કે બધા સમાજના લોકો મારા સમર્થનમાં છે.
રુપાલા દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીનો મુદ્દો શાંત થવાના બદલે વધુ ઉગ્ર થઈ રહ્યો છે. રુપાલા વિરુદ્ધ હવે રાજકોટ બાદ ગોંડલમાં પણ ફરિયાદ નોંધાવામાં આવી છે.આ ફરિયાદ ચોરડી ગામના હર્ષદસિંહ ઝાલા દ્વારા કરાઇ છે. રાજકોટની જેમ જ ગોંડલમાં પણ IPC 499, 500 મુજબ પીટીશન ફાઈલ કરવામાં આવી છે. રાજકોટ કોર્ટ ખાતે દાખલ કરાયેલ પીટીશન મામલે 15 એપ્રિલના રોજ સુનવણી હાથ ધરવામાં આવશે.
ક્ષત્રિય સમાજની નારાજગી બાદ ગઈકાલે અમદાવાદના ગોતામાં રાજપૂત સમાજ સંકલન સમિતિના સભ્યો અને ભાજપના ક્ષત્રિય આગેવાનો વચ્ચે બેઠક યોજાઈ હતી. બેઠકમાં એક જ માંગ કરવામાં આવી છે કે રૂપાલાની ટિકિટ રદ્દ કરો. તેમણે એમ પણ કહ્યું કે રૂપાલાની ટિકિટ રદ્દ કરવાની આ છેલ્લી બેઠક છે.