AutoIndia

ઈલેક્ટ્રિક વાહનોના વેચાણે વર્ષ 2023માં ધમાલ મચાવી, 365 દિવસમાં કેટલા વાહનો વેચાયા જાણો

ભારતમાં ઈલેક્ટ્રીક વાહનો તરફ લોકોનો ઝોક વધવા લાગ્યો છે. વેચાણના તાજેતરના આંકડા આ સૂચવે છે. વર્ષ 2023માં દેશમાં ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ વાર્ષિક ધોરણે 49.25 ટકા વધીને 15,29,947 યુનિટ થયું છે. ફેડરેશન ઓફ વ્હીકલ ડીલર એસોસિએશન (FADA) એ મંગળવારે આ માહિતી આપી.

ડેટા અનુસાર, ઇલેક્ટ્રિક વાહન ઉદ્યોગે વર્ષ 2022માં કુલ 10,25,063 વાહનોનું વેચાણ કર્યું હતું. વર્ષ 2023માં ટુ-વ્હીલર ઈવીનું વેચાણ 36.09 ટકા વધીને 8,59,376 યુનિટ થયું છે. તે વર્ષ 2022માં 6,31,464 યુનિટ હતું. FADAના આ લેટેસ્ટ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે થ્રી-વ્હીલર ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ વાર્ષિક ધોરણે 65.23 ટકા વધીને 5,82,793 યુનિટ થયું છે, જે વર્ષ 2022માં 3,52,710 યુનિટ હતું. ઈ-કોમર્શિયલ વાહનોનું વેચાણ વાર્ષિક ધોરણે 114.16 ટકા વધીને 5,673 યુનિટ થયું છે, જે ગયા વર્ષે 2,649 યુનિટ હતું. ડેટામાં એ પણ બહાર આવ્યું છે કે ઇલેક્ટ્રિક પેસેન્જર વાહનોનું વેચાણ ગયા વર્ષે 114.71 ટકા વધીને 82,105 યુનિટ થયું હતું. વર્ષ 2022માં 38,240 વાહનો હતા.

નવેમ્બર મહિનામાં ઈલેક્ટ્રિક વાહનો (EV)નું વેચાણ ઉત્તમ હતું. નવેમ્બરમાં EV વેચાણ (પેસેન્જર્સ અને કોમર્શિયલ) 25.5 ટકા વધીને 1,52,606 યુનિટ થયું છે. નવેમ્બર 2022માં કુલ ઇલેક્ટ્રિક વાહનોનું છૂટક વેચાણ 1,21,596 યુનિટ હતું. ઓટોમોબાઈલ કંપનીઓએ છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં ઘણા ઈલેક્ટ્રિક વાહનોના મોડલ રજૂ કર્યા છે. ઈલેક્ટ્રિક વાહનોથી લઈને લક્ઝરી ઈલેક્ટ્રિક કાર માર્કેટમાં આવી ગઈ છે. વધતી માંગને જોતા કંપનીઓ પણ આ સેક્ટરમાં રોકાણ વધારી રહી છે.

ઉત્તર પ્રદેશ બાદ મહારાષ્ટ્રમાં ઇલેક્ટ્રિક વાહનો તરફ લોકોનો સૌથી વધુ ઝોક જોવા મળ્યો છે. મહારાષ્ટ્રમાં કુલ ઇલેક્ટ્રિક વાહનોની સંખ્યા 4 લાખને સ્પર્શી ગઈ છે. દેશમાં સૌથી વધુ ઈલેક્ટ્રિક કાર અને ઈલેક્ટ્રિક બાઈક મહારાષ્ટ્રમાં છે. કુલ ઈલેક્ટ્રિક વાહનોની નોંધણીમાં ઉત્તર પ્રદેશ 7 લાખ સાથે પ્રથમ ક્રમે છે.