હરિયાણાના ગુરુગ્રામ જિલ્લામાં એક માસૂમ બાળકના અપહરણ બાદ જ્યારે પોલીસે આ કેસનો ખુલાસો કર્યો, ત્યારે અપહરણકર્તાઓએ જે કારણ આપ્યું તે જાણીને તમે ચોંકી જશો. આ વ્યક્તિએ અઢી વર્ષના બાળકનું અપહરણ કર્યું કારણ કે તેની બહેન નિઃસંતાન હતી. બાળક ગઢી ગામમાંથી મળી આવ્યું હતું. પોલીસે આરોપીની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
પોલીસ અધિકારીએ જણાવ્યું કે 45 વર્ષીય ધરમપાલ ઉર્ફે બિટ્ટુ ઉર્ફે રાવણે 26 ફેબ્રુઆરીએ રામ વિહાર કોલોની વિસ્તારમાંથી અઢી વર્ષના બાળકનું અપહરણ કર્યું હતું. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ધરમપાલે તેની બહેન માટે બાળકનું અપહરણ કર્યું હતું પરંતુ તેણે બાળકને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો તેથી તે તેને તેના ઘરે લઈ ગયો અને તેની સંભાળ રાખવા લાગ્યો હતો.
અપહરણના એક દિવસ પછી એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી અને ગુરુગ્રામ પોલીસે મંગળવારે ગઢી ગામમાં ધરમપાલના ઘરેથી બાળકને શોધી કાઢ્યો હતો અને તેને તેના માતાપિતાને સોંપ્યો હતો, એમ તેમણે જણાવ્યું હતું.