NewsIndiaPolitics

તો શું હવે વીમા પોલિસી સસ્તી થશે? આ મુખ્યમંત્રીએ નિર્મલા સીતારમણ સામે મોટી માંગ મૂકી

GST on Insurance Policy: પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ જીવન વીમા અને સ્વાસ્થ્ય વીમા પૉલિસી પર 18% GST લાદવાના નિર્ણયને જનવિરોધી ગણાવીને તેને પાછો ખેંચવા વિનંતી કરી છે. મમતા બેનર્જીએ શુક્રવારે આ મુદ્દે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણને પત્ર લખ્યો છે. તેમણે આ પત્રમાં જણાવ્યું હતું કે જીવન વીમા અને આરોગ્ય વીમાનો મુખ્ય ઉદ્દેશ્ય બીમારી, અકસ્માત અને અકાળ મૃત્યુ જેવા સંજોગોમાં નાણાકીય સુરક્ષા અને સહાય પૂરી પાડવાનો છે.

મમતા બેનર્જીએ તાજેતરમાં કહ્યું હતું કે જો કેન્દ્ર આરોગ્ય અને જીવન વીમા પોલિસી પર લાદવામાં આવેલ GST દૂર નહીં કરે તો તેમની પાર્ટી આંદોલન શરૂ કરશે. મુખ્યમંત્રીએ પત્રમાં જણાવ્યું હતું કે, “હું જીવન વીમા અને આરોગ્ય વીમા પોલિસી/ઉત્પાદનો પર 18 ટકા GST લાદવા અને નવા કરમાં આવકવેરા કાયદાની કલમ 80C અને 80D હેઠળની કપાત પાછી ખેંચવા વિશે ખૂબ જ દુઃખ સાથે લખી રહી છું.

મુખ્યમંત્રીએ કહ્યું કે વીમા પ્રીમિયમ પર લાગતો GST સામાન્ય લોકો પર આર્થિક બોજ વધારે છે. આ બોજ ઘણા લોકોને નવી પૉલિસી લેવાથી અથવા તેમની હાલની વીમા પૉલિસી ચાલુ રાખવાથી રોકી શકે છે અને અણધારી નાણાકીય તકલીફનું જોખમ વધારી શકે છે.

તેમણે જણાવ્યું હતું કે જીવન વીમા અને આરોગ્ય વીમા પ્રિમીયમ પર GST પાછી ખેંચી લેવાથી અને નવા કર શાસનમાં આવકવેરા કાયદાની કલમ 80C અને 80D હેઠળ આવા પ્રિમીયમ પર કપાતનો સમાવેશ વ્યાપક વીમા કવરેજને સરળ બનાવશે. તેમણે નાણામંત્રીને કહ્યું, “મને વિશ્વાસ છે કે તમે આ વિનંતીને ખૂબ ગંભીરતાથી લેશો.”